અમદાવાદમાં દબાણ દુર કરવા મુદ્દે આત્મવિલોપન કરનાર મહિલાનું અવસાન

અમદાવાદ : અમદાવાદમાં જશોદાનગરમાં 14 ઓગસ્ટના રોજ દબાણ દુર કરતી વખતે વેપારીની પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, આજે તેનું એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ મહિલા 80 ટકાથી વધુ દાઝી હોવાથી ગંભીર હાલતમાં મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વેપારીની પત્નીએ કેરોસીન છાંટી આત્મ વિલોપન કર્યું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ શહેરના જશોદાનગર વિસ્તારમાં 14 ઓગસ્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીનો સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન એએમસીની ટીમ એક દુકાન તોડવા ગઈ ત્યારે સ્થાનિકોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક વેપારીની પત્નીએ કેરોસીન છાંટીને પોતાને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, મહિલા રોકાઈ ન હતી. જેની બાદ તેને સારવાર માટે મણિનગર એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આંદોલન ચાલુ રાખવાની જાહેરાત
આ દરમિયાન વેપારીઓએ આરોપ લગાવ્યો છે કે એએમસીના અધિકારીઓ ડિમોલિશન રોકવા માટે લાંચની માંગણી કરે છે.આ મુદ્દે વટવા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ, જશોદાનગર વેપારી એસોસિયેશનના બેનર હેઠળ વેપારીઓએ પીડિત મહિલાને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
લોકોએ કોર્પોરેશનની ટીમનો વિરોધ કર્યો
ઉલ્લેખનીય છે કે, આ અંગે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, રામોલ-હાથીજણ વોર્ડમાં જશોદાનગર વિસ્તારમાં આવેલાં જયશ્રી કોમ્પ્લેક્સમાં ગેરકાયદે દુકાન બનાવવામાં આવતાં પૂર્વ ઝોન એસ્ટેટ ખાતા દ્વારા નોટિસો આપવામાં આવી હતી અને સીલ પણ મારવામાં આવ્યા હતા. જે તોડીને ફરી બાંધકામ ચાલુ કરી દેવાયું હતું. આથી ગેરકાયદે બાંધકામ તોડવા માટે એસ્ટેટ ખાતાએ વટવા પોલીસનો બંદોબસ્ત માગ્યો હતો, પરંતુ કોઇ કારણસર એસ્ટેટ ખાતાની ટીમ પોલીસ વગર સ્થળ પર પહોંચી જતાં વેપારીએ અને અન્ય લોકોએ કોર્પોરેશનની ટીમનો વિરોધ કર્યો હતો.
આપણ વાંચો: ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી શરુ, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…