ગોદડા-ધાબળા તૈયાર રાખો! અમદાવાદમાં આ વર્ષે છેલ્લા ૫ વર્ષનો સૌથી કડકડતો શિયાળો પડશે, પારો ૧૦°C નીચે જશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગોદડા-ધાબળા તૈયાર રાખો! અમદાવાદમાં આ વર્ષે છેલ્લા ૫ વર્ષનો સૌથી કડકડતો શિયાળો પડશે, પારો ૧૦°C નીચે જશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીથી ૨૦૨૫-૨૬ નો શિયાળો ૨૦૧૧ જેવો ઠંડો બનશે.

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ રહી છે અને દિવાળીના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે જેનાથી કબાટમાં ઊંડે ઊંડે સાચવીને રાખેલા ગોદડા કે ધાબળા બહાર કાઢીને તૈયારી રાખવી પડશે. કારણ કે આ વર્ષે કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડેટા ટ્રેન્ડ્સ અને શરૂઆતી પેટર્ન સૂચવે છે કે અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન સામાન્ય કરતાં નીચું લઘુત્તમ તાપમાન અનુભવાઈ શકે છે. આ વર્ષનો શિયાળો છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઠંડો શિયાળો બની શકે છે.

IMD ના ‘ક્લાયમેટ ઓફ અમદાવાદ’ રિપોર્ટ અનુસાર, શહેરનું સરેરાશ લઘુત્તમ તાપમાન છેલ્લા દાયકામાં ૧૩°C થી ૧૫°C ની આસપાસ રહેતું હતું, જે અગાઉના ૧૯૭૧-૨૦૧૦ ના સમયગાળાની સરેરાશ કરતાં ૨-૩°C ઓછું છે. આ બાબત સૂચવે છે કે રાત્રિના તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. IMD ના હવામાન નિષ્ણાતોના મતે, આ શિયાળામાં ઠંડી વધવા માટે અનેક પરિબળો જવાબદાર છે. પેસિફિક મહાસાગરમાં નબળો ‘અલ નીનો’ તટસ્થ તબક્કામાં (Neutral phase) પરિવર્તિત થઈ રહ્યો છે. ઐતિહાસિક રીતે, નબળા અલ નીનો પછીના શિયાળામાં ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડી અને સૂકી પરિસ્થિતિઓ સર્જાય છે.

આ સિઝનમાં પશ્ચિમી વિક્ષોભ (Western Disturbances) ઓછા સક્રિય છે. આ સિસ્ટમ્સ સામાન્ય રીતે વાદળો અને હળવો વરસાદ લાવે છે. તેમની ગેરહાજરીને કારણે ગુજરાત ઉપર આકાશ સ્વચ્છ રહે છે, જેના લીધે રાત્રિના સમયે ગરમી ઝડપથી વાતાવરણમાંથી બહાર નીકળી જાય છે. તે ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશ તરફથી આવતા સૂકા પવનો ઠંડીને વધુ ઝડપી બનાવે છે. સપ્ટેમ્બર પછી વરસાદ ઘણો ઓછો પડ્યો છે અને તેના કારણે જમીનમાં ભેજ ઓછો છે. સૂકી માટી ઝડપથી ઠંડી પડે છે, જેના કારણે લઘુત્તમ તાપમાન ઝડપથી નીચે જાય છે.

બજારમાં વહેલી ગરમાગરમી: ઠંડીની વહેલી શરૂઆત

૨૦૧૦-૨૦૧૯ દરમિયાન, IMD એ જાન્યુઆરીમાં સરેરાશ ૧ અને ડિસેમ્બરમાં ૦.૬ શીત લહેરના દિવસો નોંધાયા હતા. આ શીત લહેર ત્યારે ગણાય છે જ્યારે રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ૫°C કે તેથી વધુ નીચે જાય છે. મધ્ય ઓક્ટોબર પહેલાં જ શહેરની સાંજ ઠંડી અને પવનવાળી બનવા લાગી છે. લૉ ગાર્ડન અને રતનપોળ બજારોમાં ગરમ કપડાં વેચતા સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે ગ્રાહકોએ આ વર્ષે સામાન્ય કરતાં વહેલી ખરીદી શરૂ કરી દીધી છે.

સ્થાનિક હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે જો સૂકી અને વાદળરહિત પેટર્ન ચાલુ રહેશે તો ડિસેમ્બરના ઉત્તરાર્ધમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦°Cથી નીચે જઈ શકે છે. જો આ પેટર્ન જળવાઈ રહે તો, ૨૦૨૫-૨૬ નો શિયાળો છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઠંડો શિયાળો સાબિત થઈ શકે છે, જે ૨૦૧૧ ની આસપાસ અનુભવાયેલી ઠંડીની યાદ અપાવશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button