અમદાવાદમાં પત્નીએ ઊંઘતા પતિ પર એસિડ ફેંક્યું, ગુપ્તાંગ સહિતના ભાગમાં ગંભીર ઈજા

અમદાવાદ: શહેરમાં પત્ની દ્વારા પતિ પર એસિડ એટેકનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. છેલ્લા એક વર્ષથી ખોટા વહેમ રાખી ઝઘડો કરતી પત્નીએ પતિ (સવારે ઊંઘમાં સૂતેલા ફૂડ ડિલિવરી બોય) પર પહેલા ઉકળતું પાણી અને ત્યાર બાદ એસિડ ફેંકી ગંભીર રીતે દાઝ્યો હતો. યુવકના ગુપ્તાંગ સહિત શરીરના અનેક ભાગો પર ગંભીર ઈજા થતાં સોલા સિવિલ હોસ્પિટલના SICU વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયો છે.
ફરિયાદની વિગતો અનુસાર રાજીવનગર વિભાગ-૧માં ભાડાના મકાનમાં રહેતા અને ફૂડ ડિલિવરી બોય તરીકે નોકરી કરતા રોનકભાઈ અશોકભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૩)એ પોલીસને ફરિયાદ લખાવી હતી. રોનકભાઈએ બે વર્ષ પહેલાં દમયંતીબેન (ઉ.વ. ૩૧) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, જેમના આ બીજા લગ્ન છે.
આપણ વાંચો: બોલો, કલ્યાણમાં નજીવા કારણોસર સસરાએ જમાઈ પર કર્યો એસિડ એટેક
ફરિયાદ મુજબ છેલ્લા દસ-બાર મહિનાથી દમયંતીબેન રોનકભાઈ પર ખોટા શંકા-વહેમ રાખીને સતત ઝઘડો કરતા હતા. આ મામલે અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી અને સમાધાન પણ થયું હતું, તેમ છતાં ઝઘડા ચાલુ રહ્યા હતા.
ગતરોજ રાત્રે નોકરી પરથી પરત આવીને રોનકભાઈ સૂઈ ગયા હતા. સોમવારના રોજ સવારે રોનકભાઈ ઘરમાં સૂતા હતા ત્યારે તેમની પત્ની દમયંતીબેન મોટે મોટેથી ગંદી ગાળો બોલી, ‘હવે હું ગમતી નથી, બીજી બધી ગમે છે’ તેમ કહી ઘરકામ કરી રહ્યા હતા.
આપણ વાંચો: દેશના આ શહેરમાં મહિલાઓ પર સૌથી વધુ થયા એસિડ એટેક
જો કે રોનકભાઈએ ઝઘડો ટાળવા કોઈ પ્રતિક્રિયા નહોતી આપી, ત્યારે દમયંતીબેન તેમની પાસે આવ્યા અને તેમના પર ઓઢેલો ધાબળો એકદમ ખેંચી લીધો હતો અને બાદમાં, તેમણે ગરમ-ગરમ ઉકળતું પાણી રોનકભાઈ પર નાખી દીધું હતું.
ગભરાઈને રોનકભાઈ ઊભા થઈ ગયા હતા ત્યાં જ દમયંતીબેને ક્યાંકથી એસિડની બોટલ લાવી રોનકભાઈ પર ફેંકી દીધી હતી. એસિડ એટેકના કારણે રોનકભાઈ શરીરે પેટના ભાગે, પીઠના ભાગે, હાથના ભાગે, પગની જાંગ ઉપર તેમજ ગુપ્તાંગ પાસે ગંભીર રીતે દાઝી ગયા હતા.
બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા અને કોઈએ ૧૦૮ને ફોન કર્યો હતો. રોનકભાઈને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રોનકભાઈએ તેમની પત્ની વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.