અમદાવાદમાં 4-4 કરોડપતિ પુત્રો ભરણપોષણ ના આપતા હોવાથી વિધવા માતાએ કોર્ટમાં જવું પડ્યું

અમદાવાદઃ શહેરમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો હતો. ચાર-ચાર કરોડપતિ પુત્રો ભરણપોષણ ન આપતા વિધવા માતાએ કોર્ટમાં જવું પડ્યું હતું. પતિનું બે વર્ષ પહેલા નિધન થયા બાદ 79 વર્ષીય વિધવા જીવન જીવવા વલખા મારી રહી છે. કરોડપતિ પુત્રો ભરણપોષણ ન આપતાં મહિલાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ કેસની વધુ સુનાવણી 21 જાન્યુઆરીના રોજ થશે.
મળતી વિગત પ્રમાણે, શહેરના પોશ વિસ્તારમાં રેહતી એક વિધવાએ ફેમિલી કોર્ટમાં દર મહિને ચારેય દિકરાઓ પાસેથી 50-50 હજાર મળી કુલ રૂ. 2 લાખ ભરણપોષણ અપાવવા દાદ માંગી છે. કોર્ટમાં કરવામાં આવેલી અરજી મુજબ, વૃદ્ધાના લગ્ન 50 વર્ષ પહેલા થયા હતા. પતિ સોના-ચાંદીનો વ્યવસાય કરતા હતા. સમય જતાં આર્થિક રીતે સમૃદ્ધ થયા હતા. સંતાનમાં ચાર દિકરા અને એક દીકરી છે. તમામના લગ્ન થઈ ગયા છે. સંતાનોએ પિતાનો વારસો આગળ ધપાવ્યો હતો.
વર્ષ 2023માં તેના પતિનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ પુત્રોએ તેનાથી મોં ફેરવી લીધું હતું, જેના કારણે જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો હતો. ચારેય પુત્રો તેમના પરિવાર સાથ અલગ અલગ રહે છે. તેણે ભરણપોષણ માટે કરેલી અરજીમાં એવો આક્ષેપ કર્યો કે, મારા પતિએ એક જ જગ્યાએ મકાનોની ખરીદી કરી હતી.
અરજી મુજબ, આ ઉંમરે તેઓ કામ કાજ કરી શકતી નથી. દવા-દારૂ, સામાજિક ખર્ચ, દીકરીના ઘરે જવાનું હોય છતાં સંતાનો રૂપિયા આપતા નથી. તેઓ પોતાના પતિની હયાતીમાં જીવનભર વૈભવી જીવન જીવ્યા છે. તેમના અવસાન બાદ જીવન સાવ બદલાઈ ગયું છે. આથી પોતાનું જીવન નિર્વાહ સારી રીતે ચાલી શકે તે માટે ચારેય દિકરાઓ પાસેથી ખર્ચ મેળવવા દાદ માગી છે.
આ પણ વાંચો…રાજકીય દુશ્મનાવટ સાથે કડી ધરાવતા હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટે છ જણને નિર્દોષ છોડ્યા



