અમદાવાદીઓને ઉત્તરાયણે મજા પડી જશે, પવનની ગતિ વધીને ક્યાં પહોંચશે?

અમદાવાદઃ રાજ્યમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે પતંગરસિયાઓને મોજ પડી જાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તરાયણ સુધીમાં પવનની ગતિ વધીને 20 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યમાં 12 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 તી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમુક સમયે ઝટકાના પવન હોય ત્યારે 22 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાંચો…મકર સંક્રાંતિ 2026: જાણો પુણ્યકાળનું મુહૂર્ત, ઇતિહાસ અને સૂર્યના ઉત્તરાયણ થવાનું ધાર્મિક મહત્વ
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઉત્તરાયણે પવનની ગતિને લઈ આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, આ વર્ષે ઉત્તરાયણમાં પવનની ગતિ સાનુકૂળ રહેશે. જેનાથી પતંગબાજોને મોજ પડી જશે. સવારના સમયે પવનની ગતિ 10 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. આ ગતિ પતંગ ચગાવવા અનુકૂળ માનવામાં આવે છે. બપોર બાદ પવનના જોરમાં વધારો થશે અને ગતિ 12 થી 15 કિમી સુધી પહોંચળશે. આ ગતિ પતંગ ઉડાડવા ઉત્તમ ગણાય છે. વચ્ચે વચ્ચે આંચકાના પવન પણ આવશે.
ઉલ્લેખનીય છે કે હાલ, ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. કચ્છનું નલિયા 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. આ સિવાય રાજકોટમાં 10.1 ડિગ્રી, ડીસામાં 11.4 ડિગ્રી અને અમરેલીમાં 11.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતા પરોઢિયે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. અમદાવાદમાં પણ પારો 14.4 ડિગ્રી સુધી ગગડ્યો હતું, જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



