અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડાયું, અનેક ગામોને એલર્ટ કરાયા

અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે શહેરમાં નદી બે કાંઠે થઈ છે. જોકે, હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે નદીના પાણીના લેવલને જાળવી રાખવું પણ જરૂરી બન્યું છે. તેથી વાસણા બેરેજમાંથી 96 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ ખોલાયા છે. આ પાણી છોડતા વાસણા બેરેજ બાદ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તેમજ તેના પગલે નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જયારે સુભાષબ્રિજ પર વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું છે.
નદીના પટમાં અવર જવર ન કરવા અપીલ
આ ઉપરાંત જીલ્લા કલેકટરે લોકોને સાવચેતી રાખવા અને નદીના પટમાં અવર જવર ન કરવા અપીલ કરી છે. જોકે, હાલમાં ઉપરવાસમાં વરસાદ ઘટતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. ધરોઈ ડેમમાં 42681 ક્યુસેક પાણીની આવક થઈ છે. 38976 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 617.28 ફૂટ પહોંચી છે. ધરોઈ ડેમમાં 82.27 ટકા પાણીનો જથ્થો છે.
24 કલાકમાં 152 તાલુકાઓમાં વરસાદ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના વિજયનગરમાં 3.98, નવસારીના ખેરગામમાં 3.19, ઉમરપાડામાં 3.11, ડાંગ-આહવામાં 2.44, મેઘરજમાં 2.36, મોડાસામાં 2.32, વલસાડમાં 2.28, નિઝરમાં 2.20, બાલાસિનોરમાં 2.13, ધરમપુરમાં 2.09,સોનગઢમાં 2.05,વઘઈમાં 2.01, કપડવંજમાં 1.93 અને દાંતામાં 1.77 ઈંચ વરસાદ નોંધાયો છે.