અમદાવાદમાં વિશાલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, આ કારણે લેવાયો નિર્ણય

અમદાવાદ : અમદાવાદ શહેરના વિશાલા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ નિર્દેશ આપ્યો છે. જેમાં બ્રિજના ડાબા ભાગના બેરિંગ અને અન્ય ભાગો જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસ.ટી. બસ પણ આ બ્રિજના ડાબા ભાગ પરથી પસાર નહી થઈ શકે. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.
8 ફેબ્રુઆરી 2026 સુધી બંધ રહેશે
આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી અમદાવાદ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શુક્રવારથી શાસ્ત્રી બ્રિજના ડાબી બાજુથી મધ્યમ અને ભારે મુસાફર અને કોમર્શિયલ વાહનો માટે બંધ રહેશે. વિશાલા સર્કલથી પીરાણા સુધીનો બ્રિજ 8 ફેબ્રુઆરી 2026 સુધી બંધ રહેશે.
બ્રિજના બેરિંગ્સ અને પેડેસ્ટલ હજુ પણ જર્જરિત હાલતમાં
જર્જરિત હાલતમાં રહેલા વિશાલા બ્રિજનું આ વર્ષની શરૂઆતમાં સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, બ્રિજના બેરિંગ્સ અને પેડેસ્ટલ હજુ પણ જર્જરિત હાલતમાં છે. પોલીસ વિભાગે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને વૈકલ્પિક માર્ગોની જાહેરાત કરી છે.
8-લેનનો નવો કોરિડોર બનશે
વિશાલાથી નારોલ સુધીનો 43 વર્ષ જૂનો બ્રિજ એક્સપ્રેસ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 ને જોડે છે. આ બ્રિજના બદલે નવો બ્રિજ અને નારોલથી સરખેજ સુધીના એલિવેટેડ કોરિડોર માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રસ્તાવિત કોરિડોર 8-લેનનો બનશે. જેની માટે 1,295 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.