અમદાવાદ

અમદાવાદ – વડોદરા એક્સપ્રેસવે પર બે મિનિટ પણ વાહન ઊભું રહ્યું તો…..

અમદાવાદ/વડોદરાઃ અમદાવાદ વડોદરા એક્સપ્રેસવે પર હવે એઆઈ કેમેરા સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત એક્સપ્રેસવે પર વાહન બે મિનિટ પણ ઊભું રહેશે તો એઆઈ સિસ્ટમથી કંટ્રોલના જાણ થશે. તેમજ દુર્ઘટના સમયે નજીકની એમ્બ્યુલન્સ અને ક્રેનને જીપીએસની મદદથી લોકેશન મોકલાશે.

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પ્રથમ તબક્કાના પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે તેનો અમલ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને પૂર્વાંચલ એક્સપ્રેસ ઉપર શરૂ કર્યો છે.

ઓવરસ્પીડ અને રોંગસાઈડમાં આવતા વાહનો સામે પણ કાર્યવાહી

એઆઈ આધારિત નવી ટેકનોલોજી લાગુ થતાં જ દુર્ઘટનાના ગોલ્ડન અવર્સમાં ઘાયલો સુધી મદદ પહોંચી શકશે. આ સિસ્ટમ દુર્ઘટનાની સ્થિતિમાં નજીકની એમ્બ્યુલન્સ ક્રેનને જીપીએસની મદદથી લોકેશન પણ મોકલી આપશે. સૂત્રો મુજબ મંત્રાલયે આ સંદર્ભમાં પરિપત્ર બહાર પાડ્યો છે.

દેશભરના એક્સપ્રેસ વે પર મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે એઆઈ આધારિત સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આવા કેમેરાની મદદથી ઓવરસ્પીડ અને રોંગસાઈડમાં આવતા વાહનો સામે પણ કાર્યવાહી કરી શકાશે.

હાઈ ડેફિનેશનવાળા એઆઈ કેમેરા લગાવાશે

એક્સપ્રેસ વે પર હાઈ ડેફિનેશનવાળા એઆઈ કેમેરા લગાવાશે,. જે ફક્ત ધ્યાન નહીં રાખે પરંતુ સેંસરની મદદથી સંભવિત જોખમોને પણ ઓળખશે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ હાઈવે પર ઉભેલા અથવા ખોટકાયેલા વાહનોની ઓળખ કરી કંટ્રોલ રૂમને જાણ કરવાની છે.

જો કોઈ વાહન બે મિનિટથી વધારે ઊભું રહેશે તો તેને જોખમી માનીને એઆઈ સિસ્ટમ એલર્ટ જાહેર કરશે. હાઈ વે પર વાહનોની ગતિ અચાનક 10 કિમી પ્રતિ કલાકથી ઓછી થશે તો સિસ્ટમ તેને દુર્ઘટના કે ટ્રાફિકજામ માની ચેતવણી આપશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે. વાહન ચાલકોની સંખ્યામાં દિન પ્રતિદિન થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અમદાવાદ–વડોદરા એક્સપ્રેસવેને આઠ લેનનો બનાવવા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી.

વર્ષ 2004માં ગોલ્ડન ક્વોડ્રિલેટરલ પ્રોજેક્ટ હેઠળ શરૂ થયેલ આ 93 કિમી લાંબો એક્સપ્રેસવે અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાને જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે. છેલ્લા બે દાયકામાં ઝડપી શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને વસ્તીમાં વધારાને કારણે વાહનોની અવરજવરમાં ભારે ઉછાળો આવ્યો છે. હાલમાં આ માર્ગ પર દરરોજ અંદાજે 51,000 વાહનો પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક જામ અને વારંવાર અકસ્માતો સર્જાય છે. વડોદરા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડાણ થતાં આ રૂટ પર ટ્રાફિકનું દબાણ હજુ વધવાની શક્યતા છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button