ઉતરાયણના દિવસે અમદાવાદીઓને પવને સાથ આપ્યો પણ પ્રદૂષણે નહીં, એક્યુઆઈ નબળો

અમદાવાદઃ ગુજરાતમાં સુરત, વડોદરા અને અમદાવાદમાં ખાસ કરીને ઉતરાયણનો વિશેષ ઉત્સાહભર્યો માહોલ જોવા મળે છે. ખાસ કરીને પતંગ રસિયાઓ પવની ગતિ અને દીશા મામલે ચિંતામાં હોય છે. જોકે બુધવારના દિવસે ઠંડીમાં થોડી રાહત હતી અને પવન ધીમો ધીમો પણ આવી રહ્યો હતો, પરંતુ હવાની ગુણવત્તા નબળી હોવાથી પતંગ રસિયાઓના આરોગ્યને અસર થઈ હશે.
અમદાવાદની એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ)ની વાત કરીએ તો લગભગ 133થી 150 નોંધાયો હતો, જે નબળો માનવામાં આવે છે. આ સાથે પીએમ 2.5 લેવલ પણ ઠીકઠાક રહ્યું હતું. હવાની ગતિ બપોરે 11 કિમી પ્રતિકલાક નોંધાઈ હતી જ્યારે વાતાવરણમાં ભેજ 24 ટકા નોંધાયો હતો. અમદાવાદના અમુક વિસ્તારોમાં લોકો સવારથી જ ધાબા પર ચડી ગયા હતા અને 10-11 વાગ્યા આસપાસ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. આ સાથે ઉંધીયાની દુકાનો બહાર પણ લાંબી લાઈન લાગી હતી.
આ પણ વાંચો: ઉતરાયણ બની જીવલેણ! હાલોલમાં પાંચ વર્ષના બાળકનું મોત, સુરતમાં બે લોકોના ગળા કપાયાં
અન્ય શહેરોની હવાની ગુણવત્તાની વાત કરીએ તો સુરતનો એક્યુઆઈ 147 આસપાસ નોંધાયો હતો, જે આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. વડોદરાનો એક્યુઆઈ 153 નોંધાયો હતો, જે પણ આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. જ્યારે રાજકોટવાસીઓ આ મામલે નસીબદાર રહ્યા હતા. અહીં એક્યુઆઈ 103 નોંધાયો હતો, જે યોગ્ય માનવામાં આવે છે.
ઠંડીની વાત કરીએ તો નલિયા 5.2 લઘુત્તમ તાપમાન સાથે સૌથી વધારે ઠંડું મથક રહ્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરતમાં લઘુત્તમ તાપમાન 12થી 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 25થી 30 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું, આથી ઠંડીનું જોર સારું રહ્યું હતું, આવી જ રીતે કચ્છના ભુજમાં 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠંડીનો માહોલ જામ્યો છે. આવનારા અઠવાડિયામાં વાતાવરણમાં ખાસ કોઈ ફેરફાર નહીં આવે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.



