અમદાવાદમાં અત્યાર સુધીમાં નોંધાયા 15.41 લાખથી વધુ વૃક્ષો: આ વોર્ડ સૌથી હરિયાળો…

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ગાર્ડન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વૃક્ષ ગણતરી (Tree Census) માં અત્યાર સુધી શહેરમાં કુલ 15.41 લાખથી વધુ વૃક્ષો નોંધાયા છે. શહેરના ગ્રીન કવરનો સચોટ ડેટાબેઝ તૈયાર કરવાના હેતુથી ચાલી રહેલા આ સર્વેમાં અત્યાર સુધીમાં કુલ 15,41,095 વૃક્ષોની ગણતરી પૂર્ણ થઈ છે. તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, શહેરના 48 વોર્ડ પૈકી જમાલપુર, બાપુનગર, મણિનગર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ખોખરા અને અસારવા સહિતના 8 વોર્ડમાં ગણતરીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીના 40 વોર્ડમાં હાલ સર્વે ચાલુ છે.
AMC દ્વારા જાહેર કરવામાં આવેલા વોર્ડ વાઈઝ ડેટા મુજબ, નવરંગપુરા વોર્ડ 1,33,384 વૃક્ષો સાથે સમગ્ર શહેરમાં સૌથી વધુ હરિયાળો વોર્ડ સાબિત થયો છે. વૃક્ષોની સંખ્યાની દ્રષ્ટિએ થલતેજ વોર્ડ 88,559 વૃક્ષો સાથે બીજા ક્રમે અને ગોતા 76,259 વૃક્ષો સાથે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત, પૂર્વ વિસ્તારમાં નરોડા (74,948 વૃક્ષો) અને નિકોલ (71,268 વૃક્ષો) અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે શહેરના પશ્ચિમ અને નવા વિકસતા વિસ્તારોમાં હરિયાળીનું પ્રમાણ નોંધપાત્ર છે.
વૃક્ષ ગણતરીની આ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનને શહેરના વિવિધ વિસ્તારોમાંથી 261 જેટલી દુર્લભ વૃક્ષોની પ્રજાતિઓ પણ મળી આવી છે. આ યાદીમાં બ્રાન્ચિંગ પામ (શાખાવાળા તાડ), રુખડો (Adansonia digitata), લેપર્ડ બાર્ક, બેગર્સ બાઉલ, એલિફન્ટ ઇયર, ઝેરકોચલું, કૃષ્ણ સિરીઝ અને રક્તચંદન જેવી વિશેષ અને મહત્વની પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
સમગ્ર સર્વેના અંતે અમદાવાદમાં વૃક્ષોની ચોક્કસ સંખ્યા અને તેમની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર થશે, જે ભવિષ્યમાં પર્યાવરણના જતન અને વધુ વૃક્ષારોપણ માટેના આયોજનમાં માર્ગદર્શક બનશે. અત્યાર સુધીના આંકડા મુજબ ચાંદલોડિયામાં 32 હજારથી વધુ, બોડકદેવમાં 64 હજારથી વધુ અને જોધપુરમાં 25 હજાર જેટલા વૃક્ષોની ગણતરી કરવામાં આવી છે.



