
અમદાવાદઃ શહેરના ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. હાઈ કોર્ટ પણ ટ્રાફિક નિયમના પાલનને લઈ તંત્રને ફટકાર લગાવી હોવા છતાં કડક અમલવારીમાં ઢીલાશ દાખવવામાં આવી રહી છે. મળતી વિગત પ્રમાણે, ટ્રાફિકના નિયમો તોડનારાઓ પાસેથી કુલ ₹ 308 કરોડના દંડની વસૂલાત બાકી છે. છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલા 54 લાખ ગુનાઓમાંથી માત્ર 10.36 લાખ પાસેથી દંડ વસૂલાયો છે. આ ઉપરાંત રિકવરી રેટ 2023માં 34 ટકા હતો જે ઘટીને 2025માં 14 ટકા થયો છે.
શહેરના ટ્રાફિક પોલીસના આંકડા મુજબ ઓનલાઇન પેમેન્ટ પોર્ટલ અને કલેક્શન વિન્ડો જેવી પહેલ હોવા છતાં ઉલ્લંઘનોની સંખ્યાની સાથે બાકી દંડ સતત વધી રહ્યો છે. 2023 થી 2025 સુધીના ત્રણ વર્ષના ગાળામાં ટ્રાફિક દંડ વસૂલાતની રકમ એક નાના શહેરના બજેટ જેટલી થઈ ગઈ છે. જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2025 સુધીમાં ટ્રાફિક પોલીસે 54,78,053 ઉલ્લંઘનો કેસ નોંધ્યા હતા. જો કે, માત્ર 10,36,475 ગુનેગારો પાસેથી દંડ વસૂલવામાં સફળ રહ્યા હતા. એટલે કે કુલ ઉલ્લંઘન સામે માત્ર માત્ર 18.92 ટકા જ વસૂલાત કરવામાં આવી હતી.
કુલ દંડની રકમ ₹ 381.74 કરોડ સુધી પહોંચી હતી, પરંતુ પોલીસે માત્ર ₹ 73.39 કરોડ જ વસૂલ્યા હતા. આમ ₹ 308.35 કરોડની વસૂલાત હજુ પણ બાકી છે. એકંદરે, વસૂલાત દર માત્ર 19.23 છે. 2023 માં, શહેરની ટ્રાફિક પોલીસે 2,14,032 લોકો સામે કેસ નોંધ્યા અને 74,922 મુસાફરો પાસેથી દંડ વસૂલ્યો હતો. કુલ દંડ ₹ 14.92 કરોડ હતો, જેના 35.01 ટકા લેખે ₹ 5.11 કરોડ વસૂલવામાં આવ્યા હતા.
જે બાદ દંડ વસૂલાતની કામગીરી સતત ધીમી પડી રહી છે. 2025 ના પ્રથમ 11 મહિના દરમિયાન, ટ્રાફિક ગુનાઓ વધીને 32,61,177 થયા હતા, તેમ છતાં પોલીસે માત્ર 4,68,255 નિયમ તોડનારાઓ પાસેથી દંડ વસૂલ્યો હતો. વસૂલાત દર ઘટીને માત્ર 14.36 ટકા થયો હતો. માત્ર 2025 ના પ્રથમ 11 મહિનામાં ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ ₹ 217.13 કરોડનો દંડ વાહનચાલકોને ફટકારવામાં આવ્યો હતો, પરંતુ માત્ર ₹ 31.94 કરોડ જ વસૂલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે વસૂલાત દરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2023 માં દંડ વસૂલાત દર 34.25 ટકા હતો, જે 2024 માં ઘટીને 24.27 અને ચાલુ વર્ષે 2025 માં તે 14.71 ટકાના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો.
આ પણ વાંચો…અમદાવાદમાં ટ્રાફિક જામની આ છે હકીકત, 2100થી વધુ કર્મીઓની ઘટ



