
અમદાવાદ: શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિક જામની પણ સમસ્યા પણ વકરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં સમસ્યા ઠેરના ઠેર રહે છે. શહેરના હાર્દસમા એસ. જી. રોડ, સી. જી. રોડ અને આશ્રમ રોડ વગેરે શહેરને જોડતા મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર દિવસે દિવસે ધીમો પડી રહ્યો છે. આ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાના કારણે એન્જિનના અવાજ કરતાં હોર્નનો અવાજથી રહેવાસીઓએ તૌબા પોકારી ઉઠ્યા છે, ત્યારે ટ્રાફિકની જામની ‘મંથર’ ગતિ રહે છે, જેથી દેશમાં ટ્રાફિકની દૃષ્ટિએ સૌથી ધીમું શહેર હોવાના ચોંકાવનારા અહેવાલો મળ્યા છે.
કોલકાતા અને અમદાવાદ વચ્ચે કેટલો છે તફાવત
એક સંસ્થા દ્વારા જીપીએસ ડેટાનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયની ટ્રાફિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેના અનુસાર સપ્તાહના પીક અવર્સ દરમિયાન અમદાવાદ અને મુંબઈ બંને શહેરોમાં પ્રવાસીઓને ૧૦ કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ ૨૯ મિનિટ લાગે છે. ટ્રાફિક જામની દ્રષ્ટિએ અમદાવાદ ભારતનું સાતમું સૌથી ધીમું શહેર હતું. કોલકાતા ૩૫ મિનિટ સાથે રાષ્ટ્રીયસ્તરે સૌથી ધીમું શહેર હતું. હૈદરાબાદમાં ૩૨ મિનિટ અને ચેન્નઈમાં આ અંતર કાપવામાં ૩૦ મિનિટ લાગી હતી. કોલકાતા અને અમદાવાદ વચ્ચે માત્ર છ મિનિટનો તફાવત હતો.
અમદાવાદનો વાર્ષિક પીક-અવર સમય કેટલો છે
વૈશ્વિક સ્તરે, કોલકાતા ટ્રાફિક જામમાં બીજા સ્થાને છે, જ્યારે અમદાવાદ ૪૩મા ક્રમે અને મુંબઈ ૩૯મા ક્રમે હતા. વાર્ષિક પીક-અવર સમય એટલે કે એક વર્ષ દરમિયાન પીક અવર્સમાં ટ્રાફિક જામમાં પ્રવાસી જેટલા કલાક વિતાવે છે તેના આધારે આ ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. ડેટા સિસ્ટમ મુજબ અમદાવાદનો વાર્ષિક પીક-અવર સમય ૭૩ કલાક હતો, જે બેંગલુરુના ૧૧૭ કલાક, મુંબઈના ૧૦૩ કલાક અથવા કોલકાતાના ૧૧૦ કલાક કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો.
આ છે શહેરના ટ્રાફિકની સમસ્યાના સંવેદનશીલ વિસ્તાર
શહેરના ટ્રાફિક હોટ ઝોન પશ્ચિમમાં વસ્ત્રાપુર અને જુહાપુરાથી લઈને પૂર્વમાં લાલ દરવાજા અને કાલુપુર સુધી ફેલાયેલા છે, જ્યાં સવારે વાહનોની ગતિ ૧૮.૮ કિલોમીટર પ્રતિ કલાક સુધી ઘટી જાય છે, અને સાંજના સમયગાળામાં તેની સ્પીડ વધુ ઘટીને ૧૭.૪ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. પાલડી, જીમખાના અને દાણાપીઠ જેવા મધ્ય વિસ્તારમાં પ્રવાસીઓ શહેરી સરેરાશનો અનુભવ કરે છે. પરંતુ સરખેજ, આંબલી, વિજય પાર્ક, વિક્રમનગર, અસારવા, રખિયાલ, રામોલ, ઇસનપુર અથવા ગણેશ નગર જેવા વિસ્તારમાં મુસાફરીનો સમય અઢારથી ૨૩ મિનિટનો હતો.