અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારાની નહીં ચાલે બહાનાબાજી, પોલીસ ક્યૂઆર કોડથી દંડ વસૂલશે

અમદાવાદ: ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ હવે સ્થળ પર દંડ ભરવામાંથી છટકી શકશે નહીં. અમદાવાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક દંડ વસૂલાત સુનિશ્ચિત કરવા માટે ક્યૂઆર કોડ સિસ્ટમ શરૂ કરી હકી.
વન નેશન વન ચલણ પહેલના ભાગરૂપે, ઈ-ચલણ એપ્લિકેશન ક્યૂઆર કોડ સાથે કાર્યરત કરવામાં આવી હતી. પોલીસ ડ્રાઇવરના ફોટોગ્રાફ સાથે ઈ-મેમો બનાવી શકશે અને કોડ સ્કેન કરીને તરત જ દંડ વસૂલ કરી શકશે. અગાઉ, ડ્રાઇવરો ઈ-મેમો મળ્યા પછી પાછળથી ચૂકવણી કરવાનું વચન આપતા હતા પરંતુ લાંબા સમય સુધી ચલણ ભરતા નહોતા. આ ઉપરાંત ઘણા લોકો દાવો કરતા હતા કે તેઓ ઓનલાઈન ચુકવણી પદ્ધતિઓ પસંદ કરે છે.
આ નવી ટેકનોલોજીથી શહેરમાં ટ્રાફિક ઉલ્લંઘન કરનારા સામે સ્થળ પરથી જ દંડ વસૂલ કરી શકાશે. અગાઉ પોલીસ ટ્રાફિક નિયમનો ભંગ કરનારને પકડતી હતી ત્યારે માત્ર 250 સેકન્ડ માટે માન્ય ક્યૂઆર કોડ જનરેટ કરવામાં આવતો હતો. આ ટૂંકી સમય મર્યાદાના કારણે ઘણા ડ્રાઇવરો ચૂકવણી કરતા નહોતા.
એક અધિકારીએ જણાવ્યું કે, કોઈપણ નિયમના ઉલ્લંઘન માટે દંડ અથવા સેટલમેન્ટ ફી વસૂલવાનો અધિકાર હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ અને ઉચ્ચ રેન્કના અધિકારીઓ પાસે છે. માત્ર તેઓ જ આ એપ્લિકેશન અને ક્યૂઆર કોડ દ્વારા દંડ વસૂલી શકશે. ઈ-ચલણ મેળવનાર ડ્રાઇવરોનો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં જાય તે પહેલાં ચૂકવણી કરવા માટે હજુ પણ 90 દિવસ છે. જેઓ ઓનલાઈન છેતરપિંડી અંગે ચિંતિત છે તેઓ આ સમયગાળા દરમિયાન સુરક્ષિત ચુકવણી માટે ક્યૂઆર કોડ સ્કેન કરવા કોઈપણ ટ્રાફિક જંકશનની મુલાકાત લઈ શકે છે.