અમદાવાદમાં નવા ટીપી રોડ ખોલવા 8,767 મકાનો પર બુલડોઝર ફરવાની શક્યતા…

અમદાવાદઃ શહેરમાં 8,767 મકાનો પર ગમે ત્યારે બુલડોઝર ફરે તેવી આશંકા છે. આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદમાં વસ્તી અને વાહનોની સંખ્યા વધતા નવા ટાઉન પ્લાનિંગ (ટીપી) રોડ ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો.
જેમાં બહાર આવ્યું છે કે 8,767 મકાનો કપાતમાં આવે છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડશે. આ સાથે જ, શહેરમાં 21 ભયજનક હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
કેટલા મકાનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવાના થશે
આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મનપાની એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રીતિશ મહેતા અને ડેપ્યુટી ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં જો તમામ રોડ રસ્તા ખોલવા હોય તો તેના માટેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રોડ કપાતમાં જતા મકાનો અંગેની વિગતો બહાર આવી છે.
જેમાં 8,767 જેટલા મકાનો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવાના થાય છે. વર્ષ 2010 પહેલાનું બાંધકામ હોય અને જો 50 ટકાથી વધારે કપાતમાં જતું હોય તો તેવા લોકોને પોલીસી અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાન ફાળવવામાં આવે છે. જેથી આટલા મકાનોની આગામી દિવસોમાં જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે.
કયા વિસ્તારમાં કેટલા મકાનો કપાતમાં જશે
શહેરના પૂર્વ વિસ્તારના કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર અને સરસપુર-રખિયાલમાં 1475 જેટલા મકાનો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા, નારણપુરા વાસણા, પાલડી સહિતના વિસ્તારોમાં 1429 કપાતના વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આપવા પડે તેમ છે. રાણીપ વિસ્તારમાં આવતી આખી બકરા મંડીનો વિસ્તાર અને ગાયત્રી ગરનાળા પાસેના રોડ ઉપર 280થી વધારે મકાનો કપાતમાં જાય છે.
તે ઉપરાંત અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો ઉપર જાહેરાતના હોર્ડિંગ અંગેનો એસવીએનઆઈટી દ્વારા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સરકારી અને ખાનગી એમ બંને સંસ્થા પાસે કરાવેલા સર્વેમાં એસવીએનઆઈટી એ 44 જેટલા સાઈટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં 21 જગ્યાએ હોર્ડીગસ બહાર આવ્યું હતું. જેથી આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ભયજનક હોવાને કારણે તેને ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો હતો. જેનો પણ 5 ઓગસ્ટના રોજ રિપોર્ટ આવ્યો હતો જેથી આ રિપોર્ટનો અભ્યાસ કરવામાં આવશે.