અમદાવાદથી મુંબઈ માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે, વંદે ભારત સ્લીપર ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ રન

અમદાવાદઃ વંદે ભારત સ્લીપર ટ્રેનનું શુક્રવારે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સફલ ટ્રાયલ રન થયું હતું. જેમાં તેણે 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી હતી.
બે કલાકમાં સુરત, ચાર કલાકમાં મુંબઈ
આ ટ્રેન સવારે 9:20 વાગ્યે અમદાવાદથી ઉપડી, 11:20 વાગ્યે સુરત પહોંચી હતી અને બપોરે 1:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. આમ તેણે અમદાવાદ-મુંબઈનું અંતર લગભગ ચાર કલાકમાં પૂરું કર્યું હતું. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવેલી ટ્રાયલ રન દરમિયાન ટ્રેનનું પ્રદર્શન સંતોષકારક રહ્યું હતું.
આ ટ્રાયલ સ્પેશિયલ મોડીફાઈડ બોગીથી સજ્જ સેકન્ડ 16-કોચ રેકનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, અને તેનું સંચાલન રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા કરવામાં આવ્યું હતું. 14 નવેમ્બરના રોજ સફળ ટ્રાયલ બાદ, રેલવે બોર્ડ અને RDSO વધુ ટેકનિકલ તપાસ અને COCR (કન્ફર્મેટરી ઓસિલોગ્રાફ કાર રન) ટ્રાયલ કરવાનું આયોજન કરી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું કે 15 નવેમ્બરના રોજ અમદાવાદ-વડોદરા-મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર 130 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપે એક ખાસ COCR ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ 16 નવેમ્બરના રોજ પરત દિશામાં COCR રન થશે. ઓપરેશન્સ, મિકેનિકલ, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ, એસ એન્ડ ટી અને સુરક્ષા સહિતના અનેક વિભાગોના અધિકારીઓ બે દિવસની આ કવાયત દરમિયાન RDSO ટીમ સાથે જોડાશે.
નોંધનીય છે કે, આ માત્ર વંદે ભારત સ્લીપર વર્ઝનનો ટ્રાયલ રન છે. પશ્ચિમ રેલવેના અધિકારીઓ અનુસાર, આ ટ્રેનને કયા રૂટ પર અથવા કયા ઝોનમાં દોડાવવામાં આવશે તે રેલવે બોર્ડ નક્કી કરશે.
આ પણ વાંચો…જેતપુરમાં સ્થાનિકોએ વંદે ભારત ટ્રેનને રોકવાની કોશિશ કરી, જાણો શું છે કારણ



