અમદાવાદથી અમેરિકા દવા મોકલવાના બહાને ડોલર પડાવવાના રેકેટનો પર્દાફાશ, 24 લોકોની ધરપકડ…

અમદાવાદ : અમદાવાદની નવરંગપુરા પોલીસે શહેરમાંથી એનઆરઆઈને અમેરિકા દવા મોકલવાના બહાને ડોલર પડાવી લેતા નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે 24 લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ કોલ સેન્ટર આશ્રમ રોડ પર સાકર-9 ના 12 મા માળેથી ઓપરેટ કરવામાં આવતું હતું.
રેકેટ છેલ્લા આઠ માસથી ચાલતું હતું
આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, આ રેકેટ એનઆરઆઈ ને દવાઓ પર ખાસ યોજના ઓફર કરીને યુએસ ડોલરમાં એડવાન્સ ચુકવણી કરાવી લેતા હતા. તેની બાદ દવા ન મોકલતા અથવા હલકી ગુણવત્તાવાળાની દવાઓ મોકલતા હતા. તેમજ કોઈપણ એનઆરઆઈને દવા ન મળવાના સંજોગમાં ક્યારેય રિફંડ આપવામાં આવ્યું ન હતું. આ રેકેટ છેલ્લા આઠ માસથી ચાલતું હતું.
600 ડોલરનું દવા પેકેજ ઓફર કરતા
નવરંગપુરા પોલીસે ચોક્કસ માહિતીના દરોડો પાડ્યો હતો. જ્યાં સ્ટાફના સભ્યો અમેરિકામાં વ્યક્તિઓને ફોન કરતા જોવા મળ્યા. તેઓએ તબીબી સમસ્યાઓ વિશે વિગતો એકત્રિત કરી લોકોને 600 ડોલરનું દવા પેકેજ ખરીદવા માટે સમજાવતા હતા. આ કોલ સેન્ટર કથિત રીતે અભિષેક પાઠક દ્વારા ચલાવવામાં આવતું હતું, જેણે 24 લોકોની ટીમને નોકરી પર રાખ્યા હતા.
મહિલાઓ સહિત તમામ 24 આરોપીઓની ધરપકડ
જેમાં પોલીસે પીજી આવાસમાં રહેતી મહિલાઓ સહિત તમામ 24 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ પોલીસે કમ્પ્યુટર, સર્વર અને અન્ય સાધનો જપ્ત કર્યા છે. તેમજ પોલીસ આ કેસમાં અન્ય માહિતીઓ પણ એકત્ર કરી રહી છે. આ કેસમાં રેકેટ ચલાવતા માલિકે વિદેશમાં રહેતા ભારતીયોની સંપર્ક માહિતી ધરાવતા ડેટાબેઝ મેળવ્યા હોવાના અહેવાલ છે. આ દરોડા દરમિયાન પોલીસને ધાર્મિક શુભેચ્છાઓ અને વિશ્વાસ મેળવવા છાપેલા સ્ટીકરો મળી આવ્યા હતા.
સમસ્યાઓ મટાડવાના વચનો અપાતા હતા
આ પેકેજ અંગે મળેલી માહિતી મુજબ કોલ સેન્ટરમાંથી ફોન કરીને એનઆરઆઈને છ મહિનામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડની સમસ્યાઓ મટાડવાના વચનો આપીને લલચાવામાં આવતા હતા. તેમજ મળેલી સામગ્રીમાં વજન ઘટાડવું, ટાલ પડવી, ચામડીના રોગો, ગર્ભાવસ્થાના મુદ્દાઓ અને બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ ઉકેલો ઓફર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…સાવધાન! અમદાવાદમાં ડેવલપર્સે બનાવટી MoU બનાવી પ્લોટ વેચી દીધા! અંતે પોલીસ ફરિયાદ



