અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ...

અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ…

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરીને લોકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.

અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી મેઘાણીનગર રામેશ્વર સર્કલ સુધી હજારો અમદાવાદીઓની ઉપસ્થિતિને કારણે સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર અમદાવાદ રંગાયું હતું.

આ અવસરે મુખ્ય પરધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તિરંગા યાત્રા યોજાય છે. આ અભિયાન સૌ માટે પ્રેરણાદાઈ બન્યું છે. સાથે સાથે તિરંગો સમગ્ર દેશના લોકોને એક કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ તિરંગા યાત્રા અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી આદર્શ સ્કૂલથી શિવ નારાયણ સોસાયટી વિભાગ ૦૧ થઇ, શિવાજીનગર, અમરાજીનગર ગલી નંબર ૦૪ અને ૦૫, અમરાજીનગર ગલી નંબર ૦૩, વિદ્યાનગર, સાવધાનનગર, રવિ રો-હાઉસ, રબારી વાસ, અરવિંદનગર થઇ રામેશ્વર સર્કલ પાસે સમાપન થયું હતું.

આ તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના બાળકો તેમજ શિક્ષકો ૨૧૫૧ ફૂટ લાબા તિરંગા સાથે નીકળ્યા હતા, જેનાથી આ તિરંગા યાત્રાની ભવ્યતામાં વધારો થયો હતો.

આ યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રૂપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. આ તિરંગા યાત્રામાં ડીજેના તાલે ‘મેરી શાન તિરંગા’, ‘મેરા મુલ્ક મેરા દેશ’, ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’, ‘એ મેરે વતન કે લોગો’ સહિતના ગીતોથી તિરંગા યાત્રા રૂટ પરના તમામ માર્ગો પર દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો.

આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયરના જવાનો, વિવિધ શાળાઓનાં બાળકો, રમતવીરો, વિવિધ સમાજ લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે ૩૦,૦૦૦થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના કુલ ૪ ટેબ્લો , ‘સ્વચ્છ શહેર અમદાવાદ’, ‘ ઓપરેશન સિંદૂર’, ‘ ગૌ ગણેશ’, ‘મિશન ૪ મિલિયન ટ્રી’ પણ આ તિરંગા યાત્રામાં જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીના ૭૯મા વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતા માટે ભારતીય રાષ્ટ્રધ્વજ એ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં ૨થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પખવાડિયા દરમ્યાન રાજ્યના લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા’ કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button