અમદાવાદ

અમદાવાદમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં કર્યો ચોંકાવનારો આક્ષેપ…

અમદાવાદઃ શહેરના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આપઘાત કર્યો હતો. મંદિર પરિસરમાં જ પૂજારીએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. બિલ્ડર મંદિર તોડવાને માટે દબાણ કરતો હોવાના કારણે પૂજારીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.

Also read : વડોદરા અકસ્માતઃ 3 ASIની બદલી, એક્ટ્રેસ જ્હાનવી કપૂરને પણ આવ્યો ગુસ્સો…

બિલ્ડર મંદિર તોડવા માટે ધમકાવતો હોવાનો આક્ષેપ

મૃતક પૂજારીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, આવાસ યોજનામાં જે મંદિર છે તે તોડવા માટે તેમને દબાણ કરવામાં આવતું હતું. બિલ્ડર મંદિર તોડવા માટે ધમકાવતો હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં એકત્ર થઈ ગયા હતા.

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સંતોષી માતાજીનું મંદિર આવેલું છે. મદિરના પૂજારી મહેન્દ્રભાઈ મીણેકરે મંદિર પરિસરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પૂજારી પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં બિલ્ડરો દ્વારા મંદિર તોડવા બાબતે ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતક પૂજારીના પુત્રએ જણાવ્યું કે, મંદિર તોડવા બાબતે ધમકી આપવામાં આવી રહી હતી. છેલ્લા ચાર વર્ષથી ધમકી આપવામાં આવી હતી. બિલ્ડિરો અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કહેવામાં આવતું હતું કે, તમારું મંદિર તોડી પાડીશું. તમારે અહીં રહેવું હોય તો રહો. મંદિરની જગ્યા તમે ખાલી કરી દો. મંદિર તમને આપી દઇશું. મંદિરમાં તમે રહો અને તમારી ફરજ નિભાવો. જોકે મારા પિતાનું કહેવું હતું કે અમે તમને મંદિર નહીં તોડવા દઇએ. આ વર્ષો જૂનું મંદિર છે.

Also read : અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સોના ઘર પર ફરી વળ્યું બુલડોઝર…

તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર તોડીને અહીં આવાસ યોજના બનાવવામાં આવવાની હતી. ગરીબો માટે જે કરવામાં આવી રહ્યું છે તે સારું છે પણ મંદિર પણ કંઇક વિચારવું જોઇએ. મંદિર માટે પણ સારા પગલા ભરવા જોઇએ. મારા પિતાને સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ગઇકાલે પણ બધાને બોલાવીને કહેવામાં આવ્યું હતું કે, તમારી પાસે એક અઠવાડિયું છે. આ જગ્યા હવે ખાલી કરી દો. અમારી માત્ર એટલી માગ છેકે, મારા પિતાએ મંદિર બચાવવા માટે આ પગલું ભર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button