અમદાવાદ

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા મોટા કૌભાંડની આશંકા, બનાવટી પઝેશન લેટર આપ્યાની ફરિયાદો

અમદાવાદઃ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કોર્પોરેશન દ્વારા આવાસ બનાવવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. શહેરના ચાંદલોડિયામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા મકાનોમાં પેટે માત્ર 50 હજાર રૂપિયા લઇને બનાવટી પઝેશન લેટર આપીને બે ગઠીયાઓએ અનેક લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાની ફરીયાદ નોંધાવામાં આવી છે. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

364 આવાસની ફાળવણી બાકી

અમદાવાદ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે મનપા દ્વારા ચાંદલોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો માટે તૈયાર કરવામાં આવેલા 1736 આવાસ પૈકી 1372 આવાસના પઝેશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે 364 આવાસની ફાળવણી બાકી છે.

તપાસમાં 21 જેટલા બોગસ પઝેશન લેટર મળી આવ્યા

ત્રણ દિવસ પહેલા ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને માહિતી મળી હતી કે ઘાટલોડિયામાં આવેલી ગીરીરાજ સોસાયટી લોહાર કિશનલાલ ધનરાજને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર 17માં 103 નંબરનો ફ્લેટ આપવામાં આવ્યો હોવાનો બોગસ સહી વાળો પઝેશન લેટર ઇસ્યુ થયો છે. જેના આધારે તેણે મકાનની ચાવી મેળવેલી છે. આ ઘટના બાદ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા 21 જેટલા અન્ય બોગસ પઝેશન લેટર મળી આવ્યા હતા. જે રજૂ કરીને ઘરની ચાવી લેવામાં આવી હતી અને કેટલાંક પરિવારો રહેવા માટે પણ આવી ગયા હતા.

50 હજાર લઇને છેતરપિંડી આચરી હતી

આ અંગે તમામની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે વિપુલ અને સૈયદ નામના વ્યક્તિએ તેમની ઓળખ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારી તરીકે આપીને મકાન ફાળવવાની સત્તા હોવાનું કહીને તેમણે 50 હજાર લઇને છેતરપિંડી આચરી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું કે વિપુલ ગ્રાહકો શોધવાનું કામ કરતો હતો અને કોઇ સસ્તામાં મકાન લેવાની લાલચમાં આવે ત્યારે તે સૈયદ સાથે મુલાકાત કરાવીને નાણાં લઇને બનાવટી પઝેશન લેટર આપતો હતો. આ કેસમાં મોટુ કૌભાંડ સામે આવવાની શક્યતાને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

આપણવાંચો:ગુજરાતમાં ઉનાળુ પાકોનું વાવેતર શરૂ, મગફળીના વાવેતરમા સામાન્ય ઘટાડો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button