અમદાવાદ એરપોર્ટ નજીકના બિલ્ડિંગોનો સર્વે પૂર્ણ, વિમાન ઉડ્ડયનને નડતરરૂપ 13 બાંધકામ તોડાશે

અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટની આસપાસ વિમાનના ટેકઓફ, લેન્ડિંગમાં અવરોધરૂપ 46 બિલ્ડિંગનો સર્વે કરાયો હતો. જેમાંથી 13 બિલ્ડિંગના નડતરરૂપ બાંધકામ હટાવાશે. નાગરિક ઊડ્ડયન મંત્રાલયના સંકલનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) એ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદની આસપાસ બિલ્ડિંગોની ઊંચાઈના ઉલ્લંઘનને રોકવા માટે કડક અમલીકરણ શરૂ કર્યું છે.
એરોનોટિકલ સર્વેક્ષણો અને સલામતી ઓડિટ હાથ ધરાયું
વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ દરમિયાન અવરોધમાં આવતી બિલ્ડિંગોના છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિયમો અનુસાર અનેક એરોનોટિકલ સર્વેક્ષણો અને સલામતી ઓડિટ હાથ ધરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણો બાદ કેટલાક બાંધકામો અવરોધ મર્યાદા (ઓએલએસ)નું ઉલ્લંઘન કરતાં હોવાનું બહાર આવ્યું હતું. નવેમ્બર 2022ની સમીક્ષા બાદ ડીજીસીએએએ જાન્યુઆરી 2024માં એરક્રાફ્ટ નિયમો 1994 હેઠળ એરપોર્ટની આસાપાસની 46 બિલ્ડિંગોના અંતિમ આદેશ જાહેર કર્યા હતા, જેમાં 28 મકાન માલિકોએ આદેશનું પાલન કર્યું હતું. જ્યારે ચાર અપીલ હેઠળ છે અને એકને એરોનોટિકલ અભ્યાસ માટે મોકલવામાં આવ્યો છે.
13 બિલ્ડિંગોના નડતરરૂપ અવરોધ દૂર કરવાના બાકી
અમદાવાદ મ્યુનિ. દ્વારા 13 બિલ્ડિંગોના નડતરરૂપ અવરોધ દૂર કરવાના બાકી છે. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન ક્રેશ બાદ એરપોર્ટ મેનેજમેન્ટે મ્યુનિ. કોર્પોરેશનને સ્થળની જાત ચકાસણી બાદ જ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન આપવા વિનંતી કરી છે. એકવાર ડીજીસીએએ એરક્રાફ્ટ રૂલ્સ 1937 હેઠળ કોઈ બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ અવરોધરૂપ જાહેર કર્યા બાદ તોડી પાડવું ફરજિયાત છે.
આપણ વાંચો: ગુજરાતમાં લીલા શાકભાજીના ભાવ આસમાને, 30 થી 40 ટકાનો વધારો



