અમદાવાદ

અમદાવાદનો સુભાષબ્રિજ કઈ તારીખ સુધી રહેશે બંધ? કેટલી એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, જાણો

અમદાવાદઃ શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય રોડ મનાતા સુભાષબ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. અલગ અલગ ત્રણ એજન્સી અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાના કારણે હજી એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે.

કેટલી એજન્સીઓ કરશે ટેસ્ટિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના સુભાષબ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવા મામલે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ અલગ ત્રણ એજન્સી પાસે આખા સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરાવવામાં આવી રહી છે. 8 ડિસેમ્બરના રોજ વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષબ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે. તમામ પાસાં પર તપાસ કરીને બે દિવસ બાદ બ્રિજનો રિપોર્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો : સુભાષ બ્રિજ આગામી પાંચ દિવસ માટે રહેશે બંધ, AMCએ વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો

આઈઆઈટી મુંબઈની ટીમ પણ આવશે

આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ મંગળવારે સુભાષબ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટ માટે આવશે. બે દિવસ બાદ આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકીની ટીમ પણ બ્રિજના ઇન્ફેક્શન અને ટેસ્ટ માટે આવશે, જેથી આખા અઠવાડિયા દરમિયાન સુભાષબ્રિજના ટેસ્ટ અને ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવશે. સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. એ તમામ એજન્સીઓનાં સૂચનો અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button