
અમદાવાદ: જેનું અમદાવાદીઓને અનેરું આકર્ષણ રહે છે તેવા ‘અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ 2025-26’નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26 યોજાશે.
આ ફેસ્ટિવલ ‘ગ્લોબલ આકર્ષણ સાથેનું સ્વદેશી’ થીમ હેઠળ ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પને મજબૂત કરશે, જેમાં 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ સક્રિય રહેશે. પ્રવાસીઓ માટે ફૂડ, મ્યુઝિક, કલ્ચરલ ઇવેન્ટ્સ અને ડિજિટલ સુવિધાઓ સાથે આ ફેસ્ટિવલ શહેરને પ્રતિષ્ઠિત રિટેલ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરશે.
અમિત શાહ કરશે ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગર ખાતે અનેક કાર્યક્રમોની અધ્યક્ષતા કરવાના છે. તેમના કાર્યક્રમોમાં સિંધુ ભવન રોડ પર મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક નજીક ‘અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલ (ASF) 2025-26’ના ભવ્ય ઉદ્ઘાટનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ગૃહમંત્રી તેમના દિવસની શરૂઆત અમદાવાદના મેમનગરમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા આયોજિત ‘સ્વદેશોત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપીને કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે NABARD દ્વારા આયોજિત ‘અર્થ સમિટ 2025’માં ભાગ લેશે.
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26 માટે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે. 5 ડિસેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 સુધી યોજાનારો આ ફેસ્ટિવલ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવા, સ્થાનિક વેપારને મજબૂત બનાવવા, પ્રવાસનને વેગ આપવા અને અમદાવાદને દેશના સૌથી પ્રતિષ્ઠિત રિટેલ અને લાઇફસ્ટાઇલ સ્થળોમાં સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ અમદાવાદની ઉદ્યોગસાહસિક ઊર્જાનો ઉત્સવ છે, જેની થીમ “ગ્લોબલ આકર્ષણ સાથેનું સ્વદેશી” રાખવામાં આવી છે, જે ગ્રાહકોને જાણીતી બ્રાન્ડ્સની સાથે ઉભરતા સ્થાનિક કારીગરો સાથે જોડાણ પૂરું પાડશે.
6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ-12થી વધુ હોટસ્પોટ ઝોન
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26 અંતર્ગત શહેરના 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12 થી વધુ હોટસ્પોટ ઝોનને સક્રિય કરવામાં આવ્યા છે. જેમાં સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરીયા–રામબાગ રોડ, વાસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લૉ ગાર્ડન, મણેકચોક અને શહેરના અગ્રણી મોલ્સ જેવા વિસ્તારો શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમોથી ધમધમી ઉઠશે.
આ ફેસ્ટિવલ પરંપરાગત રિટેલ કરતાં આગળ વધીને એક સંપૂર્ણ અનુભવ પ્રદાન કરશે. આયોજનમાં ફૂડ અને કુલિનરી અનુભવો, શોપિંગ તથા આર્ટીઝન માર્કેટ, લાઇવ મ્યુઝિક અને સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન માટેના વિશિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે.
હેરિટેજ વોકિંગ ટૂર્સનું આયોજન
પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે હેરિટેજ વોકિંગ ટૂર્સનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સિંધુ ભવન રોડ પર આવેલો વેડિંગ શોપિંગ એક્સપિરીયન્સ ઝોન આ લગ્નસરાની સિઝનની જરૂરિયાતોને અનુરૂપ વિશેષ અનુભવ પ્રદાન કરશે. આ ફેસ્ટિવલને વધુ સુલભ બનાવવા માટે, અધિકૃત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઇલ એપ અને ઑનલાઇન પોર્ટલ દ્વારા મુલાકાતીઓને સરળ આયોજન અને નૅવિગેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ મોબાઇલ એપ યુઝર અનુભવને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વિશેષ ઑફર્સ, ઇન્ટરેક્ટિવ નકશા, રિયલ-ટાઇમ ઇવેન્ટ અપડેટ્સ અને ગિફ્ટ વાઉચર રીડમ્પશનની સગવડ ઉપલબ્ધ છે.
એપમાં અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શોપર પાસ પણ ઉપલબ્ધ છે, જે શહેરભરમાં ફેલાયેલા ફેસ્ટિવલ લાભોનો મુખ્ય પ્રવેશદ્વાર છે. 5 ડિસેમ્બર 2025 ની આતુરતા સાથે સમગ્ર અમદાવાદ દેશ-વિદેશના મુલાકાતીઓને વેપાર, સંસ્કૃતિ અને સમાજના આ ભવ્ય ઉત્સવમાં આવકારવા તૈયાર છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ શહેરની રીટેલ ઇનોવેશનની દ્રષ્ટિ, સમૃદ્ધ વારસો અને પ્રગતિશીલ ઉદ્યોગસાહસિક ભાવનાનો સન્માન કરતું એક અનોખું મંચ છે.



