અમદાવાદમાં એસજી હાઇવે પર કેફેની આડમાં ધમધમતું હુક્કાબાર ઝડપાયું, દોઢ કલાક બેસવાના લેતા હતા આટલા રૂપિયા

અમદાવાદઃ શહેરમાં એસજી હાઇવે પર કેફેની આડામાં ચાલતું હુક્કાબાર ઝડપાયું હતું. મહંમદપુરા રોડ પર આલા બ્રુ રોસ્ટ કેફેમાંથી વિવિધ હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીનયુક્ત હુક્કા આપવામાં આવતા હતા.
પોલીસે મળેલી બાતમીના આધારે કેફેમાં દરોડો પાડ્યો હતો. ફેકેમાં ખુલ્લી જગ્યામાં ટેબલ પર હુક્કા મુકવામાં આવેલા હતા અને ત્રણ ગ્રાહકો હુક્કો પીતા હતા. પ્રતિ હુક્કા દીઠ 1000 રૂપિયા અને દોઢ કલાક બેસવાનો સમય આપવામાં આવતો હતો. પોલીસને કેફેમાંથી 24 હુક્કા અને 40 પાઇપો તેમજ અલગ અલગ ફ્લેવર મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ કબ્જે કરી ફ્લેવરને તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવી હતી.
પોલીસ દ્વારા કેફેના ચાલક અબ્દુલ હમીદ અને દિવ્યરાજસિંહને બોલાવી તેનું નિવેદન લેતા તેઓ પોતે આ કેફેના માલિક હોવાનું અને અગાઉ પણ તેમની વિરુદ્ધ કેસ થયો હોવાનું કહ્યું હતું. પોલીસ દ્વારા મોકલવામાં આવેલા હુક્કા ફ્લેવર અંગે એફએસએલના રિપોર્ટ આવ્યો હતો. જેમાં નિકોટીનનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવતા હોવાનું અને જુદા જુદા હર્બલ ફ્લેવરની જગ્યાએ નિકોટીનયુક્ત હુક્કો પીરસવા મામલે સરખેજ પોલીસે દિવ્યરાજસિંહ અને અબ્દુલ હામીદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…અમદાવાદમાં કાફેની આડમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું, પીસીબીની ટીમે મુદ્દામાલ કર્યો જપ્ત