અમદાવાદમાં ફરી કાયદાના ઉડ્યા લીરેલીરા, ભદ્રમાં પોલીસની હાજરીમાં જ થઈ ઝપાઝપી

અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત કાયદાના ધજાગરા થયા હતા. ભદ્ર વિસ્તારમાં પોલીસની હાજરીમાં જ દબાણકર્તાઓએ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને એસઆરપી સાથે બોલાચાલી, ઝપાઝપી કરી હતી. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બની રહી હતી.
અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસરની આસપાસ વર્ષોથી ફેરિયાઓ સ્ટોલ ઉભા કરીને રોજગારી મેળવે છે. ભદ્રકાળી મંદિરથી લઈને ત્રણ દરવાજા સુધી પાથરણાં બજાર આવેલું છે. જેમાં 800થી વધારે પાથરણાંવાળાઓને ઊભા રહેવાની પરવાનગી છે. જો કે ભદ્ર પરિસરમાં અન્ય પાથરણાંઓ અને લારીઓવાળાને કેટલાક સ્થાનિક આગેવાનો અને લુખ્ખા તત્ત્વો ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવી ત્યાં ઊભા રાખે છે. ભદ્ર પરિસરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવ્યા બાદ એસઆરપી બંદોબસ્ત અને તમામ ઝોનની એક-એક ટીમ ભાગ મુજબ કામગીરી કરી રહી છે અને ગેરકાયદેસર પાથરણાંવાળાઓને હટાવી રહી છે.
આ કામગીરી દરમિયાન સ્થાનિક આગેવાનો અને લારીવાળા ભેગા થઈ ગયા હતા. પોલીસની સાથે ઝપાઝપી કરી હતી. એસ્ટેટ વિભાગ અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નહોતી. આ મુદ્દે ટૉક ઓફ ધ ટાઉન બન્યો હતો.
આ પણ વાંચો…ગુજરાતભરમાંથી 7612 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર, હવે થશે બુલડોઝર કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલમાં પોલીસે આતંક મચાવનારા ઇસમોની સરભરા કર્યા બાદ મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું તે ઘટનાની સ્યાહી પણ હજુ સુકાઈ નથી ત્યાં ભદ્ર વિસ્તારમાં આ ઘટના બનતાં શહેરમાં ફરી એક વખત કાયદાના લીરેલીરા ઉડ્યા હતા.