બ્રહ્માંડ દર્શન કરો હવે અમદાવાદમાં: સાયન્સ સિટીની એસ્ટ્રોનોમી ગેલેરીથી નિહાળો તારાઓ અને ગ્રહોની દુનિયા!

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે. આગામી 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ખુલ્લી મુકાશે. આ ગેલેરી સૌરમંડળ અને અવકાશ વિજ્ઞાનની દિવ્ય રચના પર આધારિત છે અને તે તમામ ઉંમરના મુલાકાતીઓ માટે એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર સ્થળ બનશે. સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે આ અંગે માહિતી આપી હતી.

તેમણે કહ્યું હતું કે સાયન્સ સિટી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. એક્વેરિયમ અને રોબોટિક ગેલેરીની સફળતા બાદ હવે આ ત્રીજી ગેલેરી ખુલ્લી મુકાશે, જેમાં ભારતના અવકાશ વિજ્ઞાનમાં વિશેષ યોગદાનને દર્શાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેકેશનના સમયને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓ તેનો લાભ લઈ શકે તે માટે ૧૫ મેથી આ ગેલેરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીને સ્મોલ ડ્રોન બનાવવાનું ટાઈપ સર્ટીફિકેટ મળ્યું
છ મુખ્ય વિભાગોમાં 100થી વધુ એક્ઝિબિટ્સ
કુલ ૧૨,૭૯૭ ચોરસ મીટરમાં ફેલાયેલી આ ત્રણ માળની ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો વિશાળ ગ્લોબ અને તેની ફરતે ગ્રહોની ગોઠવણી જોવા મળશે. ગેલેરીમાં ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી, પ્રેઝન્ટ ગેલેરી અને ફ્યુચર ગેલેરી સહિત છ મુખ્ય વિભાગોમાં ૧૦૦થી વધુ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે, જે ખગોળશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો, ઇતિહાસ, વર્તમાન મિશન અને ભાવિ સંશોધનો વિશે માહિતી આપશે.

ગેલેરીમાં 172 બેઠક ક્ષમતા ધરાવતું હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ
આ ઉપરાંત, ભારતના ખગોળશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનના યોગદાનને દર્શાવતી વિશેષ ગેલેરી, તારાઓ અને તારામંડળો વિશે માહિતી આપતી સ્ટેરલર ગેલેરી અને અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતી વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરી પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. ગેલેરીમાં ૧૭૨ બેઠક ક્ષમતા ધરાવતું હાઇબ્રિડ ડોમ પ્લેનેટેરિયમ, ૨૪ ઇંચ ટેલિસ્કોપ યુક્ત ઓબ્ઝર્વેટરી ડોમ અને ૬.૫ મીટર વ્યાસ ધરાવતો વિશ્વનો સૌથી મોટો મિકેનિકલ ઓરરી પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ગેલેરી નવી પેઢી માટે બ્રહ્માંડની રસપ્રદ જાણકારી મેળવવાનું એક આકર્ષક સ્થળ સાબિત થશે.