અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસની સઘન તપાસ

અમદાવાદ: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલી જેનેવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું. શાળાના મેઈલ આઈડી પર આવેલા ધમકીભર્યા મેઈલને પગલે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે શાળા તંત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ અંગે વિગતો મલતાની સાથે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ તાત્કાલિક શાળાએ આવી પહોંચી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સમગ્ર શાળા પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ધમકીભર્યા મેસેજને ગંભીરતાથી લઈ પોલીસે આ અંગે ઊંડાણપૂર્વક શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો – અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 60 કેસ નોંધાયા, રાજકોટના એસપી હિમકરસિંહ પણ આવ્યા ઝપેટમાં
શાળાને મળેલા ધમકીભર્યા ઇમેલની ડીઇઓ કચેરીએ પણ પુષ્ટિ કરી હતી અને કહ્યું કે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસને પણ સ્કૂલમાં આ અંગે કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી હતી. તે ઉપરાંત બિન અધિકૃત વ્યકિતને સ્કૂલમાં પ્રવેશવા ન દેવા સ્કૂલને સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શાળા અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેસેજ મેઈલ દ્વારા મળવાના કિસ્સાઓ અગાઉ પણ બન્યા હતા. આવા મેસેજ ઘણીવાર વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ સુરક્ષાના ભાગરૂપે પોલીસ વિભાગ હંમેશા સતર્ક રહે છે જેથી કોઈ મોટી જાનહાનિને ટાળી શકાય. હાલ જેનેવા લિબરલ સ્કૂલમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. પોલીસ આ મેઈલ કરનાર વ્યક્તિને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે.