અમદાવાદના શકરી તળાવમાં નાવડી ઉંધી વળતા 3 યુવાન ડૂબ્યા: બેના મૃતદેહ બહાર કઢાયા

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં મંગળવારે દુ:ખદ ઘટના બની હતી. સરખેજના શકરી તળાવમાં 3 યુવકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક ચાર યુવક શકરી તળાવમાં કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા.
જો કે ચોથો યુવક થોડીવારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો. જ્યારે બાકીના ત્રણ યુવાન પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા ત્રણેય યુવક ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક યુવકની શોધખોળ અંધારું થઈ ગયું હોવા છતાં ચાલું રાખવામાં આવી હતી.
આપણ વાંચો: રાજકોટના પાદરિયા ગામમાં તળાવમાં નાહલા પડેલા 3 બાળકોનું ડૂબી જતા મોત, પંથકમાં શોકનો માહોલ
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળે-ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પ્રહલાદનગર ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમ દ્વારા તળાવમાંથી 2 યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોમાં 18 વર્ષના પપ્પુ ચાવડા અને 21 વર્ષીય વિશાલ કિશોર ચાવડાનો સમાવેશ થાય છે. જ્યારે એક 1 છોકરાની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના અંગેની જાણ થતાં જ યુવકોના સ્વજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાએ સ્વજનોના હૈયા હચમચાવી દીધા હતા.
ફાયરની ટીમો દ્વારા ભારે જહેમત બાદ બે યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, બાકીના એક યુવકનો હજુ સુધી કોઈ અત્તોપત્તો લાગ્યો નથી અને તેઓની શોધખોળ હજુ ચાલુ છે. જ્યારે તળાવમાંથી બહાર કાઢવામાં આવેલા 2 મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 2 યુવકોના મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો.