હાર્દિક પટેલ હાજર ન થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફરી ધરપકડ વોરંટ જાહેર કર્યું | મુંબઈ સમાચાર
અમદાવાદ

હાર્દિક પટેલ હાજર ન થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફરી ધરપકડ વોરંટ જાહેર કર્યું

અમદાવાદઃ વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ સ્ટેશનમાં પાટીદાર નેતા અને વિરમગામથી ભાજપના વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો. વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે 10 સપ્ટેમ્બરે પહેલું ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જોકે, હાર્દિક પટેલ છતાં હાજર ન થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 12 સપ્ટેમ્બરે બીજું ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું.

પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારોને અનામત આપવાની માગણી અને ખેડૂતોનાં દેવાં માફીની માગણી સાથે નિકોલમાં પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું હતું. એમાં ફરિયાદ મુજબ આરોપીઓએ વગર પરવાનગી, પूર્વ આયોજિત કાવતરું કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતીક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. રેલીને અટકાવવામાં આવતાં તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

કોર્ટમાં ગેરહાજરીનું પરિણામ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને આ કેસમાં હાજર થવા માટે અનેકવાર સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેણે કોર્ટમાં હાજરી આપી ન હતી. 9 સપ્ટેમ્બરના રોજ પણ તે કોર્ટમાં ગેરહાજર રહ્યો, જેના કારણે કોર્ટે ધરપકડ વોરંટ જારી કરવાનો નિર્ણય લીધો. આ કાર્યવાહીથી હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી પર પણ અસર થઈ શકે છે, કારણ કે તેઓ હાલમાં ભાજપના ધારાસભ્ય તરીકે સક્રિય છે.

પાટીદાર આંદોલનનો ઇતિહાસ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન 2015માં શરૂ થયું હતું, જેમાં પાટીદાર સમુદાયે obc અનામતની માંગણી કરી હતી. આ આંદોલન દરમિયાન અનેક હિંસક ઘટનાઓ બની, જેમાં ઘણા લોકો ઘાયલ થયા અને કેટલાકનાં મોત થયા હતા. હાર્દિક પટેલ આ આંદોલનના મુખ્ય નેતા તરીકે બહાર આવ્યા હતા. આ આંદોલન બાદ હાર્દિક પટેલ યુવાઓમાં ખૂબ લોકપ્રિય થયા હતા. ત્યારબાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2022માં ભાજપમાં જોડાઈને વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.

આપણ વાંચો:  અમૂલ ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત: 13માંથી 11 બ્લોકમાં ભાજપનો વિજય

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button