અમદાવાદ RTOનું સર્વર ઠપ્પ, ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેતા અરજદારોને હાલાકી

અમદાવાદઃ શહેરના સુભાષ બ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીનું સર્વર ડાઉન થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.સપ્તાહના પહેલા જ દિવસે અહીં આવનારા અરજદારોને સર્વર ડાઉનની સમસ્યાથી ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારથી જ સર્વર ડાઉન થવાને કારણે ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન રજિસ્ટ્રેશન સહિતની તમામ કામગીરી સંપૂર્ણપણે અટકી પડી હતી. આ ઉપરાંત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક હજી બે દિવસ બંધ રહેશે, તેવું જાણવા મળ્યું હતું.
અરજદારોમાં ભારે રોષ
આરટીઓ કચેરીનું સર્વર ઠપ થતાં દૂર-દૂરથી આવેલા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંતે અરજદારો કલાકો સુધી રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફરવા મજબૂર બન્યા હતા. તંત્રની ઘોર બેદરકારીને કારણે લાયસન્સ કઢાવવા જેવી પ્રક્રિયાથી લઈને તેમાં સુધારો કરાવવાની પ્રક્રિયામાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દરરોજ આટલા લોકો નશામાં વાહન ચલાવતા ઝડપાય છે, જાણો વિગત
એક તરફ જ્યાં તમામ કામગીરી ઠપ્પ હતી, ત્યાં બીજી તરફ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના ટેસ્ટ ટ્રેક પણ બંધ જોવા મળ્યા હતા. જે ટેસ્ટ ટ્રેક હજી પણ 2 દિવસ બંધ રહેશે. જેને કારણે જે લોકો પોતાનું લાયસન્સ કઢાવવા આવે છે, જે હવે 2 દિવસ નવા લાયસન્સ કઢાવી શકવાના નથી. ટેસ્ટ આપવા આવેલા અરજદારોને પણ નિરાશ થવું પડ્યું હતું.
ટ્રેક કેમ બંધ રાખવામાં આવ્યા છે?
સૂત્રોથી મળતી માહિતી મુજબ, ટેસ્ટ ટ્રેક પરના કેમેરા અને સર્વર બંધ હોવાને કારણે હાલ પૂરતા ટ્રેક બંધ રાખવામાં આવ્યા છે અને 2 દિવસ બંધ રહેશે. જેથી લોકોને હવે પોતાના લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ 2 દિવસ બાદ આપવો પડશે. આ ટેસ્ટ ટ્રેક બુધવારથી ફરીથી શરૂ થાય તેવી શક્યતા છે.