અમદાવાદમાં RTO સર્કલ પાસેથી રેવન્યૂ ક્લાર્ક રૂપિયા 9 લાખની લાંચ લેતા ઝડપાયો | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં RTO સર્કલ પાસેથી રેવન્યૂ ક્લાર્ક રૂપિયા 9 લાખની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદઃ લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાક ઈસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદમાં આરટીસો સર્કલ પાસેથી મહેસાણા કલેકટર કચેરીમાં જમીન શાખા (એનએ) ટેબાલમાં રેવન્યુ કલાર્ક (વર્ગ-3) તરીકે નોકરી કરતો એક યુવક રૂપિયા 9 લાખની લાંચ લેતા ઝડપાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની ખેતીની જમીન જોટાણા તાલુકાના ઇજપુરા (જેઠાજી) ગામે આવેલી છે. ફરિયાદીએ આ જમીનને બિનખેતી (N.A.) કરાવવા માટે મહેસાણા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ કામગીરીના બદલામાં આરોપીએ શરૂઆતમાં ફરિયાદી પાસે એક ચોરસફૂટના ₹50 લેખે ઉચ્ચક ₹23,00,000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ રકઝક કરતાં, આરોપીએ માંગણી ઘટાડીને એક ચોરસફૂટના ₹25 લેખે ₹12,00,000 કરી હતી. લાંબી રકઝક બાદ આખરે ₹9,00,000માં લાંચની રકમ આપવાનો વાયદો નક્કી થયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ RTOનું સર્વર ઠપ્પ, ટેસ્ટ ટ્રેક બે દિવસ બંધ રહેતા અરજદારોને હાલાકી

ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં સ્વીકારતાં રંગેહાથ ઝડપાયો હતો.

સુરતમાંથી સબ રજિસ્ટ્રાર ₹2,50,000 ની લાંચ લેતા ઝડપાયો

આ સિવાય સુરતની સબ-રજિસ્ટ્રાર કચેરી, અડાજણ ખાતે આજે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એ છટકું ગોઠવી એક સરકારી બાબુને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીના અસીલે ખેતીની જમીન ખરીદી હોવાથી, તેના દસ્તાવેજની નોંધણી માટે નિયમોનુસારની તમામ ફી ભરીને સબ-રજિસ્ટ્રાર કચેરી, અડાજણ ખાતે દસ્તાવેજ રજૂ કર્યો હતો. આ દસ્તાવેજમાં અન્ય કોઈ વાંધા ન કાઢીને તેને પાસ કરવાનો ઓર્ડર આપવા માટે આ કેસના આરોપી મહેશકુમાર રણજીતસિંહ પરમાર (હોદ્દો-સબ-રજીસ્ટાર, વર્ગ-૩, સબ રજીસ્ટાર સુરત-૮, અડાજણ, સુરત શહેર )એ ફરિયાદી પાસે શરૂઆતમાં ₹3,00,000ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને ₹2,50,000 ની લાંચની રકમ સ્વીકારી હતી. ACBની ટીમે આરોપીને ઘટનાસ્થળે જ રંગેહાથ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં દરરોજ આટલા લોકો નશામાં વાહન ચલાવતા ઝડપાય છે, જાણો વિગત

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button