
Gujarat Budget Session 2025: ગુજરાતમાં શહેર વિકાસ માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભામાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરાઈ છે. જેના માટે શહેરી વિભાગનું બજેટ ગત્ વર્ષની સરખામણીએ 40 ટકા જેટલું વધારીને રૂ. 30,325 કરોડ કરવામાં આવ્યું છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી જૂન, 2025માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ સાથે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી જલ્દી પૂરી થશે.
રિવરફ્ન્ટના વિકાસ માટે રૂ. 100 કરોડની જોગવાઈ
રાજ્યમાં શહેર વિકાસ માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2ની 78.33 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આગામી ત્રણ મહિનાની અંદરમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનું આયોજન હાથ ધરાયું છે. જ્યારે રિવરફ્ન્ટના વિકાસના કામ માટે વર્ષ 2025-26માં રૂ.100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ફેઝ-3થી લઈને ફેઝ-7 સુધીનો આગામી ત્રણ વર્ષમાં રિવરફ્રન્ટનો વિકાસ કરાશે.
આ પણ વાંચો…સુરતમાં દર સપ્તાહે એક રત્ન કલાકારનો આપઘાત, જાણો ડાયમંડ વર્કર યુનિયને શું કરી માગ
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘લગભગ 57.20 ટકા જેટલું સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થયું છે, ત્યારે આગામી ઓક્ટોબર 2025 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનું આયોજન છે’ આ સાથે શહેરી વિકાસના બજેટમાં આ વર્ષે 40 ટકાનો વધારો કરાયો છે. જેમાં રૂ.30,325 કરોડ કરાયું છે.
તિર્થસ્થાનોમાં સાંસ્કૃતિક વારસાને જાળવવા જોગવાઈ
તેમણે તિર્થસ્થાનો માટે વિશેષમાં જણાવ્યું હતું કે, રાજ્યના અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓની ધાર્મિક લાગણીઓને કેન્દ્રમાં રાખીને વર્ષ 2025-26ના અંદાજપત્રમાં “ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ” યોજના હેઠળ કુલ રૂ. 200 કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલી છે.
જેના અંતર્ગત દ્વારકા, સોમનાથ, બેચરાજી, પાવાગઢ, સિદ્ધપુર, કપડવંજ, પાટણ અને પાલિતાણા જેવા ધાર્મિક તીર્થસ્થાનોની સંભાવનાઓનો પુરતો ઉપયોગ કરીને યાત્રાળુઓ અને પ્રવાસીઓના અનુભવોને વધારીને અને રાજયના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે વિવિધ માળખાગત સુવિધાઓ અને પ્રમોશન વ્યૂહરચનાઓ પર રોકાણ કરવામાં આવશે.



