અમદાવાદના રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રથમ વખત યોજશે ગરબા, શરતો પણ હશે
ગરબાની ટિકિટ માત્ર ઓનલાઈન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે

અમદાવાદઃ શહેરની ગરબા પ્રેમીઓ માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. 26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. રંગતાલી રિવરફ્રન્ટ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે.
સૌપ્રથમ વખત યોજાનારા ગરબા થીમ બેઝ હશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટિકિટના દર અને ફૂડ સ્ટોલ વગેરે માટેના દરની જાહેરાત કરવામાં આવશે. ટિકિટ માત્ર ઓનલાઈન જ મળે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ગરબાનું સંચાલન એક અનુભવી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે, જે ખેલૈયાઓને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડશે. નવરાત્રિમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓની સુવિધાને પ્રાધાન્ય અપાશે. આયોજકો દ્વારા પાર્કિંગ, સિક્યુરિટી અને વિવિધ પ્રકારની ખાણીપીણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઇવેન્ટ સેન્ટર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગરબા મહોત્સવમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો તેમના સૂર અને તાલે ખેલૈયાઓને ગરબે ઘૂમવા મજબૂર કરશે.
ઇવેન્ટ કંપની માટે શરતો રહેશે
રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ ગરબા ઇવેન્ટનું આયોજન કરવા માટે રસ ધરાવતી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પાસેથી કેટલીક શરતો રાખવામાં આવી છે. આ શરતોમાં નીચેના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે:
અનુભવ: અરજદાર કંપનીએ ભૂતકાળમાં ₹ 1 કરોડથી વધુની ઓછામાં ઓછી 3 મોટી ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કરેલું હોવું જોઈએ.
ડિજિટલ ઉપસ્થિતિ: કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ, જેવા કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર 1 લાખથી વધુ ફોલોઅર્સ હોવા ફરજિયાત છે.
સેલિબ્રિટી કનેક્શન: કંપનીનું પાંચ મોટા સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે જોડાણ હોવું જોઈએ.
ભવ્ય પ્રચાર-પ્રસાર
ત્રણ દિવસ માટે યોજાનારા આ ભવ્ય ગરબા મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ માટે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં સોશિયલ ઇન્ફ્લુએન્સર્સનો ઉપયોગ કરીને જાહેરાત કરવામાં આવશે.
આયોજકોને આશા છે કે ‘રંગતાલી રિવરફ્રન્ટ’ અમદાવાદ અને આસપાસના વિસ્તારના લોકોને નવરાત્રિની અનોખી અને યાદગાર ઉજવણીનો અનુભવ કરાવશે.