અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે રિવરફ્રન્ટ મૂન ટ્રેલનું મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું

અમદાવાદને દેશનું નંબર-૧ સ્વચ્છ શહેર જાહેર કરાતાં સ્વચ્છતામાં પાયાનું યોગદાન આપનારા સફાઈ પ્રહરીઓનું સન્માન કરાયું

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દેશમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા અને સૌ નગરજનોને અભિનંદન પાઠવતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની કેટેગરીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું, એ ગૌરવપૂર્ણ બાબત છે.

સૌને સાથે લઈને ચાલનારું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા જેવી બાબતને કેવું મોટું જનઆંદોલન બનાવી શકે છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે, એમ જણાવીને મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે દેશમાં આજે બાળકોથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ સ્વચ્છતા માટે સજાગ બન્યા છે. સ્વચ્છતા આજે સહજ સ્વભાવ બની ગઈ છે. નાનાં ગામડાંથી લઈને મહાનગર સુધી હવે ‘સ્વચ્છતા જ પ્રભુતા’નો મંત્ર ગૂંજે છે.

શહેરી વિકાસ અંગે વધુમાં વાત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ૨૦૦૫ના શહેરી વિકાસ વર્ષથી ઝડપી શહેરી વિકાસનો નક્કર પાયો નાખવાનું જે કામ થયું તેને આપણે ૨૦૨૫માં શહેરી વિકાસ વર્ષ ઊજવીને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનો આધાર બનાવ્યો છે.અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે, ત્યારે શહેરમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધાઓ ઊભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આજનો કાર્યક્ર્મ આ વિઝનને દિશા આપતો કાર્યક્રમ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ કરવામાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પો અંગે વાત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ છે. આ બંન્ને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ, ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે. રિવરફ્રન્ટમાં મૂન ટ્રેલ પાર્ક, ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે.

વડા પ્રધાનના નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં આપણે ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો છે.
ઇ મોબિલિટીને વધુ સુદૃઢ બનાવતું દેશનું પહેલું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન આજે અમદાવાદમાં કાર્યરત થઈ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં મોટા ભાગના પ્રકલ્પો પર્યાવરણ જાળવણી સાથે શહેરી વિકાસને વેગ આપનારા છે એમ જણાવીને મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને વિવિધ ઝોનમાં કુલ ૩૨૦ જેટલા ઓક્સિજન પાર્ક-અર્બન ફોરેસ્ટ તૈયાર થયા છે. આપણે નગરોને ગ્રોથ હબની સાથે સાથે ગ્રીન હબ પણ બનાવવાનાં છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button