
અમદાવાદઃ રાજ્યમાં તાપમાનનો પારો ધીમે ધીમ ગગડી રહ્યો છે. જેના કારણે હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં સીઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. લઘુત્તમ તાપમાન ઘટીને 12.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે તાપમાનનો પારો વધુ ગગડવાની આગાહી છે. આ સપ્તાહની શરૂઆતમાં રાત્રિનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું, પરંતુ સતત ઘટાડાને કારણે ખાસ કરીને વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
સોમવારે શહેરમાં મહત્તમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી ઓછું છે, જ્યારે લઘુત્તમ તાપમાન સીઝનની સરેરાશ 12.5 ડિગ્રી સેલ્સિયસની નજીક રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મંગળવારે શહેરનું લઘુત્તમ તાપમાન થોડું વધીને 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
ગત વર્ષે ક્યારે નોંધાયું હતું આટલું ઓછું તાપમાન
અમદાવાદ હવામાન કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક ડો. અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, ગત વર્ષે 8 જાન્યુઆરીએ શહેરમાં 12.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે આ વર્ષે 5 જાન્યુઆરીએ જ લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સુધી પહોંચતા આવી જ ઠંડી વહેલી અનુભવાઈ છે.
સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં પડે છે વધુ ઠંડી
2020 થી 2025 સુધીના IMD ના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાત્રિના તાપમાનમાં આવો સતત ઘટાડો તાજેતરના વર્ષોમાં જોવા મળ્યો નથી. સૂત્રોએ જણાવ્યું કે, સામાન્ય રીતે જાન્યુઆરીના અંતમાં વધુ ઠંડી પડતી હોય છે, પરંતુ જાન્યુઆરીની શરૂઆતમાં સતત ઠંડીનું આ વલણ અસામાન્ય છે, જે સૂચવે છે કે શિયાળો વધુ મજબૂત બની રહ્યો છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પૂર્વીય પવનો ગુજરાતમાં ઠંડી અને સૂકી હવા લાવી રહ્યા છે. આ સાથે જ રાત્રિના ચોખ્ખા આકાશને કારણે સૂર્યાસ્ત પછી ગરમી ઝડપથી વાતાવરણમાં જતી રહે છે, જેના પરિણામે રાત્રિ વધુ ઠંડી અને સવાર વધુ આકરી બની રહી છે.
સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું
ઠંડીની આ લહેર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. ગાંધીનગર અમદાવાદ કરતા પણ વધુ ઠંડું રહ્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં, રાજકોટમાં 10.9 ડિગ્રી (સામાન્ય કરતા 1.6 ડિગ્રી ઓછું) અને ભુજમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
દરિયાકાંઠાના વિસ્તારો પ્રમાણમાં થોડા ગરમ રહ્યા હતા, પરંતુ સપ્તાહની શરૂઆતની સરખામણીમાં ત્યાં પણ તાપમાન ઘટ્યું હતું. સુરતમાં 17.4 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 14.5 ડિગ્રી અને વડોદરામાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ શહેરોમાં પણ ત્રણ રાતથી તાપમાનમાં થઈ રહેલા ક્રમશઃ ઘટાડાને કારણે દિવસના તાપમાનમાં પણ ઠંડકનો અનુભવ થયો હતો.



