અમદાવાદ રથયાત્રાઃ 75થી વધુ ડ્રોનથી મોનિટરીંગ થશે, AIનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ શહેરમાં નીકળનારી 148મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાશે તથા 75થી વધુ ડ્રોનથી સતત મોનિટરીંગ કરાશે. આ ઉપરાંત ભાગદોડ ના થાય તે માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવશે.
45 ડ્રોન ક્રાઇમ બ્રાન્ચ પાસે છે, ઉપરાંત 30થી વધુ ખાનગી કંપનીના ડ્રોન દ્વારા દેખરેખ કરવામાં આવશે. તમામ ડ્રોનમાં જીપીએસ લગાડવામાં આવ્યા છે. ડ્રોન અને તેના ઓપરેટરે કેટલી ઉંચાઈએ, તેમજ કેટલા અંતરમાં રહેવું , કઈ જગ્યાએ રહેવું તે પણ નક્કી કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત પાંચ સ્થળે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. ભાગદોડની ઘટના ના બને તે માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ પ્રવેશ અને નીકળવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદની રથયાત્રા પૂરી પછી દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ યાત્રા માટે ત્રણ રથોની જાળવણી અને શણગાર બે મહિના અગાઉથી શરૂ થઈ જાય છે, જેમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા બિરાજમાન થાય છે.
મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રૂટ નિરીક્ષણ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે પણ રથયાત્રામાં શણગારેલી ટ્રકો, ગજરાજો, ભજન મંડળીઓ અને અખાડાઓ સહિત લાખોની સંખ્યામાં ભાવિકો જોડાશે.
આ પણ વાંચો…અમદાવાદમાં 147મી રથયાત્રાઃ પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરાયું