અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: જન્માષ્ટમીએ ધોધમાર વરસાદથી જળબંબાકાર, બે અંડરપાસ કરવા પડ્યા બંધ

અમદાવાદઃ આજે જન્માષ્ટમીના તહેવારના દિવસે, અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીમાં, માત્ર બે કલાકમાં જ શહેરમાં સરેરાશ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ અચાનક આવેલા વરસાદને કારણે શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું.
પૂર્વ અમદાવાદમાં ચાર ઇંચ વરસાદ
શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. મેમ્કો, કૃષ્ણનગર, ઈન્ડિયાકોલોની, નિકોલ અને અસારવા જેવા વિસ્તારોમાં તો ત્રણથી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. જ્યારે, શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો.
આપણ વાંચો: બઈમાં ધોધમાર વરસાદ: જનજીવન ખોરવાયું…
વાહનચાલકોને હાલાકી
આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હોવાથી દિવસભર વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે. નરોડા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
19 ઓગસ્ટ સુધી રાજ્યમાં છે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 19 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં ફરી એકવાર નાઉકાસ્ટ હેઠળ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા ભારે વરસાદની આગાહી કરી છે.