અમદાવાદ રેલવે મંડળ બન્યું ‘કમાઉ દીકરો’: આવકમાં 14.43%નો ઉછાળો, માલસામાન પરિવહને તોડ્યા તમામ રેકોર્ડ…

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ પૂરી પાડવાની સાથે આવકમાં પણ નવા શિખરો સર કરી રેલ્વેનો ‘કમાઉ દીકરો’ બન્યું છે. જાન્યુઆરી 2026 દરમિયાન મંડળે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ રૂ. 806.86 કરોડની આવક મેળવી છે, જેમાં ગત વર્ષની સરખામણીએ 14.43% નો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સફળતામાં પેસેન્જર ટ્રાફિક અને માલસામાન પરિવહન બંનેનો મુખ્ય ફાળો રહ્યો છે.
માલસામાન પરિવહન ક્ષેત્રે અમદાવાદ મંડળે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જાન્યુઆરીમાં ફ્રેટ રેવન્યુ દ્વારા રૂ. 642.29 કરોડની કમાણી થઈ છે, જેમાં કન્ટેનર કોમોડિટીમાંથી રૂ. 215.73 કરોડ અને LPG સાઇડિંગમાંથી રૂ. 12.92 કરોડની રેકોર્ડબ્રેક આવકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઈફ્કો સાઇડિંગ અને સામાખિયાળી ફ્રેટ ટર્મિનલ પરથી પણ અત્યાર સુધીનું શ્રેષ્ઠ માસિક રેવન્યુ પ્રાપ્ત થયું છે. વેટિંગ લિસ્ટના મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવેલી 32 વિશેષ ટ્રેન ટ્રિપ્સ દ્વારા રેલવેને રૂ. 5.92 કરોડની વધારાની આવક થઈ છે.
‘મેરા ટિકિટ મેરી શાન’ અભિયાન હેઠળ કરાયેલી કડક તપાસમાં રૂ. 2.25 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જે ગત વર્ષ કરતા 26.40% વધુ છે. આ સાથે જ પાર્કિંગ પેટે રૂ. 3.11 કરોડની આવક થઈ છે, જે વાર્ષિક લક્ષ્યાંક કરતા 16.48% વધુ છે. પાર્સલ સેવામાં પણ આધુનિક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે અને ઓવરલોડિંગ સામે ઝીરો ટોલરન્સ પોલિસીની નીતિ અપનાવીને દંડ પેટે લાખોની વસૂલાત કરવામાં આવી છે.
બિન-ભાડા આવક (NFR) એટલે કે જાહેરાત અને અન્ય સેવાઓ દ્વારા પણ મંડળે રૂ. 12.07 કરોડનો નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. ડિજિટલ લોકર, વીડિયો વોલ અને જાહેરાતના કરારો દ્વારા રેલવેની તિજોરીમાં મોટો ઉમેરો થયો છે. આ સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંદકી ફેલાવતા 2,700 લોકો પાસેથી રૂ. 5.05 લાખનો રેકોર્ડ દંડ વસૂલીને રેલવે પરિસરને સ્વચ્છ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.



