
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં વાસી ઉત્તરાયણે ધાબા પર ચાલતી શરાબ-શબાબની પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી. જેમાં 4 યુવતી સહિત 21 ઝડપાયા હતા. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પંચવટી વિસ્તારના સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગની અગાશી પર દારૂ અને DJ સાથેની પાર્ટી કરતા લોકોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે સેન્ટેરિયલ વિસ્ટા બિલ્ડિંગની અગાશી પર ઉત્તરાયણના તહેવારને લઈને દારૂ, હુક્કા અને DJ સાથેની પાર્ટી ચાલી રહી છે. પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળે પાર્ટી પૂરજોશમાં ચાલી રહી હતી, જ્યાં લોકો દારૂ પીને મજા માણી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કા અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.

નશામાં ધૂત યુવકોએ ધમાલ શરૂ કરતાં કંટ્રોલ રૂમને જાણ કરાઈ
DJના જોરદાર અવાજ અને નશામાં ધૂત યુવાનોના હંગામાથી કંટાળીને લોકોએ પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પોલીસે તરત જ તે જગ્યાએ દરોડો પાડ્યો અને દારૂની મહેફિલ માણતા લોકોને પકડી લીધા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી મોંઘી વિદેશી દારૂની બોટલો, ચાઈનીઝ અને વિવધ ફળો જેવી ખાણીપીણીની વસ્તુઓ મળી આવી હતી. અગાશી પર હુક્કાની પણ સગવડ કરવામાં આવી હતી. પોલીસે બધો સામાન જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી હતી.

ધાબા પર વાસી ઉત્તરાયણના દિવસે ચાલી રહેલી શરાબ, શબાબ અને હુક્કાની પાર્ટીમાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે આ કેસમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. ધરપકડ કરાયેલા તમામ વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પાર્ટીના આયોજકો કોણ છે, દારૂ ક્યાંથી આવ્યો અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આ ઘટના દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધીના કાયદાને અમલમાં મૂકવા પોલીસ સતત સક્રિય છે, પરંતુ યુવાનોમાં આવી પાર્ટીઓનું આકર્ષણ હજુ પણ છે.



