અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હેલ્મેટ પહેર્યા વગરના લોકોને હેલ્મેટ વિતરણ કર્યું | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં પોલીસની નવતર પહેલ, હેલ્મેટ પહેર્યા વગરના લોકોને હેલ્મેટ વિતરણ કર્યું

અમદાવાદઃ રાજ્કોટમાં બે દિવસ પહેલા ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રથમ દિવસે લોકોને દંડ પણ કર્યો હતો. જોકે બીજા દિવસે નાટ્યાત્મક રીતે પોલીસે ગુલાબ આપીને લોકોને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને દંડ પણ નહોતો કર્યો. રાજકોટ બાદ વડોદરામાં પણ 15 સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવશે. આ માટે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અમદાવાદમાં પોલીસે નવતર પહેલ કરી હતી. હેલ્મેટ પહેર્યા વગરના લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરીને તેને પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા સરસપુર બ્રિજથી અમદુપુરા થઈને મેમ્કો ચાર રસ્તા સુધી પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પોલીસ કર્મચારીએ હેલ્મેટ પહેરી હતી. બાઈક રેલીની સાથે સ્લોગન લખેલા પ્લે કાર્ડ પણ બતાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેમ્કો ચાર રસ્તા પાસે હેલ્મેટ પહેર્યા વગર નીકળેલા લોકોને રોકીને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 100 જેટલા લોકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરાયું હતું. લોકોએ હેલ્મેટ નહીં પહેરવા બદલ વિવિધ કારણો બતાવ્યા હતા. જેથી તમામ લોકોને હેલ્મેટ પહેરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિકના નિયમોની અવરેનસ માટે એક ડ્રાઈવનું આયોજન કરાયું હતું. લોકો હેલ્મેટ પહેરવા પ્રેરિત થાય તે માટે આ રેલી યોજાઈ હતી. અકસ્માતના ઘણા કેસમાં ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેર્યું નથી હોતું. લોકો હેલ્મેટ પહેરતા થાય તે માટે આનું આયોજન કરવામાં આવ્યું હતું.

થોડા દિવસ પહેલા સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને હેલ્મેટ પહેરવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને આ કાયદા પર ફરીથી વિચારણા કરવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો…રાજકોટ બાદ વડોદરામાં પણ 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થશે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button