અમદાવાદ પોલીસે રૂપિયા 1.32 કરોડનો દારૂ અને મુદ્દામાલ ઝડપ્યો, બોર્નવિટાની હેરાફેરી

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પો.સ્ટે. વિસ્તારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. વિવેકાનંદનગર પોલીસે બડોદરા ગામની સીમમાં એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી કુલ રૂપિયા 1.32 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં દારૂની 7108 બોટલો અને તેની હેરાફેરીમાં વપરાયેલું કન્ટેનર, વાહનો અને બોર્નવિટાના બોક્સનો સમાવેશ થાય છે.
વિદેશી દારૂનું કટિંગ થવાનું હતું
આ કાર્યવાહી અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટએ ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. મળેલી બાતમી મુજબ, બડોદરા ગામની સીમમાં ONGC વેલ સામે આવેલા ફિરોઝખાન મહમદખાન બેલીફના ફાર્મ (જે વૃદ્ધાશ્રમ તરીકે ઓળખાય છે) પર વિદેશી દારૂનું કટિંગ થવાનું હતું. પોલીસને જાણ થઈ કે ફાર્મ પર એક બંધ બોડીનું કન્ટેનર અને એક સફેદ કાર ઊભી છે, જ્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે.
1144 નાના-મોટા બોક્સ અને બંડલો જપ્ત કરવામાં આવ્યા
આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, 7108 નંગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 37,41,740/- હતી. દારૂને છુપાવવા માટે ઉપયોગમાં લેવાયેલા બોર્નવિટાના 1144 નાના-મોટા બોક્સ અને બંડલો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 78,12,315/- અંદાજવામાં આવી છે. તે ઉપરાંત પોલીસે કન્ટેનર, કાર, મોટરસાઈકલ પણ જપ્ત કર્યા હતા. કારમાંથી બે પીળી નંબર પ્લેટ અને સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. પોલીસે કુલ મળીને રૂપિયા 1,32,69,055/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિવેકાનંદનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ફાર્મના માલિક ફિરોઝખાન મહમદખાન બેલીફ, કન્ટેનરનો ચાલક, ટાટા ઝેસ્ટ કારનો ચાલક અને તપાસમાં સામેલ અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.



