અમદાવાદ

31 ડિસેમ્બરની ઉજવણીમાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે 71 શી ટીમ રહેશે તહેનાત

અમદાવાદઃ 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, ક્લબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઈ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.

આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ અને કટિબદ્ધ છે. નવા વર્ષની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

31મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસના કુલ 9040 જેટલા અધિકારી, કર્મચારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડેપગે રહેવાના છે, જેમાં ડી.સી.પી., એ.સી.પી., પી.આઈ. કક્ષાના અધિકારી મોડી રાત સુધી રસ્તા પર ઊતરી વિવિધ કામગીરીઓ સંભાળશે.

આપણ વાચો: 31મીની રાત્રે આ રસ્તાઓ પર જવાનું ટાળજો, જુઓ પોલીસનું નવું જાહેરનામું…

ખાસ કરીને 71 જેટલી શી ટીમ પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મેદાનમાં ઊતરશે. શહેરમાં કુલ 63 નાકાબંધી પોઇન્ટ તથા 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની હેરાફેરી પર બાજનજર રખાશે.

આ ઉપરાંત ક્યુઆરટીની 9 ટીમ, બીડીડીએસની 4 ટીમ, 123 જેટલી જનરક્ષક-પીસીઆર વાન, 39 સ્પીડ ગન કેમેરા, 2560 બોડીવાર્ન કેમેરા થકી પણ કાયદો વ્યસ્થા જળવાઈ તેનું મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત 443 જેટલા બ્રેથ એનાલાઈઝર અને સી.સી.ટી.વી સર્વેલન્સ માટે 4000થી વધુ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

આ ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવાયાં છે. જેમાં ગેરકાયદેસર પ્રોહીબિશન પ્રવૃત્તિ સબંધે લિસ્ટેડ બુટલેગર્સ, અસામાજિક તત્ત્વો, તડીપાર ઇસમો, વગેરે પર નજર રાખી ચેક કરવામાં આવી રહ્યા છે.

આપણ વાચો: નવા વર્ષની ઉજવણી માટે બહાર જવાના છો? મધ્ય રેલવેની આ એનાઉન્સમેન્ટ વિશે જાણી લેજો, ફાયદામાં રહેશો…

સ્પીડમાં વાહનો ચલાવનાર તથા સ્ટંટ કરતા વાહનચાલકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં કેસો કરવાની કાર્યવાહી પણ કરાઈ રહી છે.

બંદોબસ્ત દરમિયાન જરૂરિયાત મુજબના મેગાફોન, પીએ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટેલ, ગેસ્ટ હાઉસ, ક્લબ ફાર્મ હાઉસ પર ચેકીંગની કામગીરી કરાઈ રહી હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ, એસ.પી.રિંગ રોડ, સી.જી. રોડ નવરંગપુરા, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, સોલા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર, એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી, મણિનગર, અમરાઈવાડી જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button