અમદાવાદ

4 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનું પોલીસે પરિવાર સાથે કરાવ્યું મિલન! સર્જાયા ભાવુક દ્રશ્યો…

અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી 4 દિવસ પહેલા સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. આ બાળકીને અમદાવાદ પોલીસે શોધી કાઢી અને ગુમ થયેલી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાળકીને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 8 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના સીસીટીવી વીડિયો પણ ચેક કરવામાં આવ્યાં હતાં. પોલીસે સતત ચાર દિવસ સુધી તપાસ કરીને બાળકીને શોધી કાઢી છે. બાળકી ગુમ થઈ તે અંગે મુંબઈ સમાચારે સૌ પ્રથમ આ અહેવાલ કર્યો હતો. ત્યારે બાદ પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી.

ગાર્ડનમાં રમતી બાળકીનું અજાણી મહિલાએ કર્યું હતું અપહરણ
આ ઘટનાની વાત કરવામાં આવે તો, બાળકી ગુમ નહોતી થઈ પરંતુ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગાર્ડનમાં રમતી બાળકીનું અજાણી મહિલાએ અપહરણ કર્યું હતું. જેથી બાળકીના પરિવારે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી અને મહિલાની ધરપકડ કરીને બાળકીને મુક્ત કરાવી હતી. પોલીસે બાળકીનું અપહરણ કરનાર નિકિતા દંતાણી નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું કે, આ મહિલાને કોઈ બાળક ના થતું હોવાથી તેણે બાળકીનું અપહરણ કર્યું હતું. હવે પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધનીય છે કે, ગૃહ રાજ્યપ્રધાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, ‘આ બાળકી શોધવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને સફળતા મળી છે અને ભગવાન બનીને આવેલા આ પોલીસ કર્મીઓએ આ બાળકી સાથે પરિવારનું મિલન કરાવ્યું છે’. ગૃહ રાજ્યપ્રધાને આ કામગીરી માટે ગુજરાત પોલીસનો ખૂબ જ આભાર માન્યો હતો.

ગુમ થયેલી બાળકીનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના લો ગાર્ડનથી એક શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકી ગુમ થઈ હતી. આ કેસમાં મુંબઈ સમાચારે સૌ પ્રથમ આ અહેવાલ કર્યો અને અપીલ કરી હતી કે પોલીસ તપાસમાં સહયોગ આપીએ. એટલું જ નહીં પરંતુ જો બાળકીની જાણ કોઈ ને પણ થાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી તેવી વિનંતી પણ કરવામાં આવી હતી. ત્યારે આજે ચાર દિવસે બાળકી મળી આવતા પરિવારે પોલીસ અને મીડિયાનો ખાસ આભાર માન્યો હતો. જ્યારે પોતાની દીકરી સાથે મિલન થયું ત્યારે દીકરીને જોઈને માતાની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન ત્યા હાજર દરેકની આંખો પણ ભીની થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button