અમદાવાદ પોલીસે હવે ડ્યુટીના સ્થળે હાજર થવું ફરજિયાત, નવી એપ ખોલી દેશે પોલ

અમદાવાદ: પોલીસ કર્મચારીઓની ફરજ સમય પરની અનિશ્ચિતતાની ફરિયાદો હવે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હોય તેમ અમદાવાદ પોલીસ દ્વારા આ કામચોરીની સમસ્યાના નિવારણ માટે ઉચ્ચ અધિકારીઓએ એક પહેલ કરી છે. અન્ય સરકારી કચેરીઓની જેમ જ હવે પોલીસ સ્ટાફે પણ નોકરીના સમય પર હાજર થયા ત્યારથી પંચ ઈન કરવાનું રહેશે અને નોકરી પૂર્ણ કરે ત્યારે પંચ આઉટ કરવાનું રહેશે.
ગઇકાલે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલીક દ્વારા પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ – “પ્રમાણ” નામની સોફ્ટવેર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આગામી તારીખ 1લી જાન્યુઆરી 2026થી આ એપ્લિકેશન અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના તમામ ૧૪ પોલીસ સ્ટેશનમાં ઉપયોગ કરવામાં આવશે. આ એપ્લિકેશનમાં ‘સિંગલ લોગીન મિકેનિઝમ’ હોઈ પોલીસ કર્મચારી પોતાની એક જ અધિકૃત ડિવાઇસ અને નંબર પરથી લોગીન કરી શકશે જેથી તેઓની હાજરી સુનિશ્ચિત કરી શકાશે.
આ સાથે જ આ એપ્લિકેશનમાં કામચોરીને સ્થાન ન મળે તે માટે ફેક અથવા મોક જી.પી.એસ.નો ઉપયોગ રોકવામાં આવ્યો છે જેથી વાસ્તવિક સ્થળ પરથી જ કર્મચારીએ પોતાની ફરજના સમય દરમિયાન પોતાના ચેક ઇન – ચેક આઉટ અને હાજરીની નોંધ કરાવવાની રહેશે. કર્મચારીઓની દૈનિક અને માસિક શિફ્ટ તેમજ ફરજની ફાળવણી આ એપ્લિકેશનથી કરી શકાશે તેમ અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
આ પણ વાંચો…અમદાવાદ પોલીસને ગાળો આપનાર મહિલા સામે વધુ એક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR…



