
અમદાવાદઃ પોલીસ કમિશનર અને સિનિયર અધિકારીઓએ અમદાવાદના ધારાસભ્યો તથા સાંસદો સાથે એક સંકલન બેઠક કરી હતી. જેમાં લોક પ્રતિનિધિઓ દ્વારા ટ્રાફિકની સમસ્યાના સમાધાન અને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે માગણી કરાઈ હતી. વધતી ગુનાખોરી સામે પોલીસ લાલ આંખ કરી ગુનેગારો સામે કડક પગલાં લે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે પણ કામગીરીમાં લોકપ્રતિનિધિઓનો સહકાર અને અસામાજિક પ્રવૃત્તિની જાણ કરવા સૂચન કર્યું હતું.
અમદાવાદમાં યોગ્ય ટ્રાફિક પોલીસની ફાળવણી કરી આ સમસ્યાનું નિરાકણ લાવવા તમામ લોક પ્રતિનિધિઓએ રજૂઆત કરી હતી. ધારાસભ્ય કૌશિક જૈન અને અમિત શાહે ટ્રાફિકના મુદ્દા ઉપરાંત અશાંત ધારાના અમલ અને ગુનેગારો સામે પગલાં લેવાની વાત કરી હતી. જ્યારે શ્રાવણ માસમાં જાહેરમાં માંસ મચ્છીની દુકાનો બંધ રખાવવા રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: નરોડા GIDCમાં દારુ પકડાયા બાદ પોલીસ કમિશનરની કાર્યવાહી; નરોડા પીઆઇને કર્યા સસ્પેન્ડ
મીટિંગમાં હાજર નહીં રહી શકેલા ઇમરાન ખેડાવાલાએ કમિશનર સમક્ષ ડ્રગ્સનું દૂષણ દૂર કરવા, વ્યાજખોરો સામે કડક પગલાં લેવા અને મિસિંગ ચાઇલ્ડના મુદ્દા કામગીરી કરવાના સૂચનો લેખિતમાં મોકલ્યા હતા. અન્ય ધારાસભ્યો અને સાંસદોએ પણ ગુનેગારો સામે કડકાઇ કરવા રજૂઆત કરી હતી. સાથે સાથે રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થઇ અને વિમાન દુર્ઘટનામાં પોલીસની કામગીરીની લોક પ્રતિનિધિઓએ સરાહના પણ કરી હતી. ટ્રાફિક બ્રિગેડ તરીકે કામ કરતા કર્મચારીનો પગાર ઓછો હોવાથી તેમને પણ પોલીસની માફક બસમાં મફત મુસાફરી માટે બન્ને તરફી રજૂઆત થઇ હતી.