અમદાવાદ પોલીસની ગુનાહિત ઈતિહાસ ધરાવતા 77 લોકોને ચેતવણીઃ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં વધી રહેલી ગુનાખોરી સામે પોલીસ સક્રિય થઈ ગઈ છે. શહેરમાં હવે ગંભીર પ્રકારના ગુનાઓની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે. પોલીસ ગુનેગારોને પકડીને તેમની સાન ઠેકાણે લાવવા માટે રીતસરની સરભરા કરીને તેમને લોકોની સામે લાવીને જાહેરમાં સરઘસ કાઢી માફી મગાવી રહી છે. બીજી તરફ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે નવી પહેલ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ મથકમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને પોલીસ ચોપડે જેમના નામ ચડી ગયા હોય તેવા આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. બાપુનગર, ગોમતીપુર, રખિયાલ સહિતના વિસ્તારોના ગુનેગારોને બોલાવી ડીસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓએ તેમની સાથે મિટિંગ કરીને ચર્ચાઓ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદના દિવ્યાંગ ઓમે ગુજરાતનું નામ રોશન કર્યું, રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો
પોલીસ દ્વારા બોલાવેલા આરોપીમાંથી પાસા હેઠળના 42, તડીપાર થયેલા 27 ઉપરાંત અન્ય ગુનામાં સંડોવાયેલા 8 આરોપી સહિત કુલ 77 આરોપીને બોલાવી પોલીસે કાયદા અંગે સમજ આપી હતી. પોલીસે આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિ છોડીને ધંધો-વ્યવસાય શરૂ કરવા માટે સમજાવાયા હતા. પોલીસ અધિકારીઓએ ગુનેગારોને ચીમકી આપતા કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.જો કાયદો વ્યવસ્થા તોડી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.