અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ રોકવા તંત્ર તૈયાર, હવે માલિકો પર વિંઝશે દંડનો કોરડો…

અમદાવાદઃ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ રોકવા તંત્ર સજ્જ થઈ ગયું છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇવે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જો રોડ પરથી પશુ પકડાશે તો તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ વિસ્તારમાં શરૂ થયો છે અમલ
દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં તાજેતરમાં સી.એન.સી.ડી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લોકલ પોલીસ, એસ.આર.પી. તથા એસ્ટેટ વિભાગની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તેમજ 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો અમલ સ્ટેડિયમ, મોટેરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, એરપોર્ટ, સોલા, ઘાટલોડિયા, મણિનગર, કાંકરીયા, ખાડીયા અને સારંગપુર સહિતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે.
શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ, ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડ, મધ્ય ઝોનના ખાડીયા વોર્ડ, દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડ અને કાંકરીયા તથા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડ, સ્ટેડિયમ, પાલડી વોર્ડ, નવાવાડજ વોર્ડ, નારણપુરા વોર્ડ, ચાંદખેડા વોર્ડ, મોટેરા અને સાબરમતી વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
બોડકદેવ CNCDની ટીમ સાથે પશુપાલકોએ ઝઘડો કર્યો
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશ દરમિયાન વધુ એક વખત ઘર્ષણની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પાસે ગેરકાયદેસર વાડામાં રખાયેલી ગાયોને જપ્ત કરવા ગયેલી CNCDની ટીમ સાથે પશુપાલકોએ ઝઘડો કરી ગાયોને ભગાડી દીધી હતી. પોલીસે આ મામલે સરકારી ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
શહેરમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિકની યજમાનીને તંત્રએ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. આ બંને ઇવેન્ટના કારણે વારંવાર વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પીની મુવમેન્ટ રહેતી હોય છે. જેને લઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય જાહેર વિસ્તારોમાંથી રખડતા ઢોરને હટાવવાનું શરૂ કરી દીધું છે.જો આ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળશે, તો તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં દર અઠવાડિયે રખડતા ઢોરના કારણે માર્ગ અકસ્માતો થતા રહે છે. ઢોરની ટક્કરથી રાહદારીઓ કે ટુ-વ્હીલર સવારો ઘાયલ થયા હોય અથવા મૃત્યુ પામ્યા હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. આ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ઉકેલવા અને મોટી ઇવેન્ટ્સ દરમિયાન વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે, પોલીસે પસંદગીના વિસ્તારોમાં ઢોર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો.



