અમદાવાદ

અમદાવાદમાં વકફના નામે રૂ.100નું કૌભાંડ! 5 નકલી ટ્રસ્ટીઓની ધરપકડ; Video

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી વકફ અમેન્ડમેન્ટ એક્ટ, 2025 ભારતના રાજકારણમાં ચર્ચાનો વિષય રહ્યો છે, હાલ આ સુપ્રીમકોર્ટે આ કાયદા પર સ્ટે મુક્યો અને ભારત સરકારને જવાબ આપવા સમય આપ્યો છે. ભારત સરકારની દલીલ છે કે વક્ફ બોર્ડમાં ચાલતી ગેરરીતિઓને ખતમ કરવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવામાં અમદવાદમાં વકફના નામ પર છેલ્લા 17 વર્ષથી ચાલી રહેલા ઉઘરાણીના કૌભાંડનો પર્દાફાસ થયો (Waqf property misuse in Ahmedabd) છે. અમદવાદ પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી છે.

અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા પાંચ શખ્સો પોતાને અમદાવાદના બે વક્ફ ટ્રસ્ટ, કાંચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ઓળખાવતા અને ટ્રસ્ટની જમીન પર બનેલા લગભગ 100 મકાનનાં રહેવાસીઓ અને દુકાનદારો પાસેથી 17 વર્ષથી ભાડું વસૂલવાતા હતાં. બાદમાં જાણવા મળ્યું કે આ લોકો ટ્રસ્ટ સાથે જોડાયેલા નથી. પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી શરુ કરી છે.

અંદાજ મુજબ આ કૌભાંડની કુલ રકમ રૂ.100 કરોડથી વધુ હોઈ શકે છે. પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે, અને વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે.

નકલી દસ્તાવેજો તૈયાર કરી આચર્યું કૌભાંડ:
કાંચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટ રાજ્ય વક્ફ બોર્ડ હેઠળ નોંધાયેલા છે. ઉઘરાણી કરનાર આરોપીઓની ઓળખ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહમૂદખાન પઠાણ, ફૈઝ મોહમ્મદ ચોબદાર અને શાહિદ અહેમદ શેખ તરીકે થઈ છે.

આ શખ્સો વિરુદ્ધ કાંચની મસ્જિદ ટ્રસ્ટ સાથે જોડાયેલી મિલકતના ભાડૂઆત મોહમ્મદ રફીક અંસારીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે પાંચમાંથી કોઈ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી નથી. આરોપીઓએ ટ્રસ્ટની મિલકતોના બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા હતાં.

ગેરકાયદે બાંધકામ:
શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ બનાવવા બદલ FIR નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓએ ટ્રસ્ટની મિલકતનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કર્યો હતો.

પોલીસ અધિકારીએ કહ્યું “ટ્રસ્ટની 5,000 ચોરસ મીટરથી વધુ જમીનનો ઉપયોગ અનધિકૃત બાંધકામ માટે કરવામાં આવ્યો હતો. 2008 થી 2025 ની વચ્ચે લગભગ 100 ઘરો અને દુકાનો બનાવવામાં આવી હતી. દર મહિને ભાડું વસૂલવામાં આવતું હતું પરંતુ ટ્રસ્ટના ખાતામાં જમા કરવામાં આવતું ન હતું.”

પોલીસના જણાવ્યા મુજબ સલીમ ખાન પઠાણ રીઢો ગુનેગાર છે. તેની સામે પાંચ કેસ નોંધાયેલા છે, તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધાયેલો. તેણે અને અન્ય આરોપીઓએ શાહ બડા કાસમ ટ્રસ્ટની દાનપેટીમાંથી એકઠા થયેલા પૈસાની માલિકીનો પણ દાવો કર્યો હતો.

શાળાની જમીન પર દુકાનો બાંધી:
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ જમીન અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શાળા બનાવવા માટે આપવામાં આવી હતી. 2001ના ભૂકંપ દરમિયાન શાળાની ઈમારત જર્જરિત થઈ ગઈ હતી, જેને બાદમાં 2009માં તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ, આરોપીઓએ ખાલી જમીન પર દુકાનો બનાવી. સલીમ ખાન એક દુકાનનો ઉપયોગ તેની માલિકીની પેઢી ‘સોદાગર કન્સ્ટ્રક્શન’ની ઓફિસ તરીકે કરતો, જ્યારે બાકીની દુકાનો ભાડે આપવામાં આવી હતી.

આરોપીઓએ આ દુકાનો કે મકાનોમાંથી વસૂલવામાં આવતું ભાડું વકફ બોર્ડ કે એએમસીને જમા કરાવતા ન હતાં. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, “આરોપીઓએ 2024 માં ગાંધીનગરમાં વક્ફ બોર્ડમાં ટ્રસ્ટીશીપનો ખોટો દાવો કરવા માટે બનાવટી સોગંદનામું પણ રજૂ કર્યું હતું. જેને આધારે બોર્ડ અને એએમસી બંનેને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતાં.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button