
અમદાવાદઃ શહેરમાં પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 39 બાળકોને બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન સિટી ક્રાઈમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ મહિલા સેલ, એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વિવિધ ઝોનના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું.
આ સ્પેશિયલ ડ્રાઈવનો શું છે ઉદ્દેશ?
સિટી ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, આ સ્પેશિયલ ડ્રાઈવનો ઉદ્દેશ્ય ગુમ થયેલા અને સંવેદનશીલ બાળકોને શોધી કાઢવાનો, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને તેમના પુનર્વસનનો હતો. અમે અમદાવાદમાં દરેક બાળકના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ.
આપણ વાંચો: હાઈવે પર રેસિંગ કરનારા બાવન બાઈકસવાર ઝડપાયા: 34 બાઈક જપ્ત
બાળકોના હિતોનું રક્ષણ કરવા પોલીસ પ્રતિબદ્ધ
બાળ કલ્યાણ એજન્સીના સહયોગથી પુનર્વસન માટેના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. સિટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે કે બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા અને તેમનું વેપાર કે શોષણ અટકાવવા માટે પોલીસ આવા અભિયાનો ચાલુ રાખશે. આ પ્રકારની ડ્રાઇવ્સ બાળકોના હિતોનું રક્ષણ કરવા અને તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.