અમદાવાદ વિમાન દુર્ઘટનાના 17 મૃતકોના અવશેષોની અંતિમ ક્રિયા કરવામાં આવી

અમદાવાદઃ શહેરમાં 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં મુસાફરી કરતાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 241 લોકો, બી જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને આમ આદમી મળીને 260 લોકોનાં ડીએનએ મેચ કરીને મૃતકોના અવશેષ સોંપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બીજા કેટલાક અવશેષો મળ્યા હતા, જેમનાં ડીએનએ મેચ કર્યાં બાદ પરિવારને જાણ કરી હતી. 17 જેટલા પરિવારે તેમના પરિવારના મૃતક સભ્યના અવશેષો મળી આવતાં સિવિલ હોસ્પિટલને જ તેમની અંતિમ ક્રિયા કરવા માટેની પરવાનગી આપી હતી. જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ અલગ ધર્મના 17 લોકોના અવશેષોની અંતિમ ક્રિયા તેમની ધાર્મિક વિધિ મુજબ કરવામાં આવી હતી.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે: બ્લેકબોક્સનો ડેટા રિકવર કર્યો
અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા હિન્દુઓના મળી આવેલા અવશેષોની વાડજ સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ સમાજના મૃતકોના અવશેષોની શાહીબાગ વિસ્તારમાં આવેલા મુસા સુહાગ કબ્રસ્તાન ખાતે દફનવિધિ કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી અને ઝોન 4 ડીસીપી ડો. કાનન દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાની એઆઈ 171 ફ્લાઇટમાં કુલ 230 મુસાફર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે, બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા.