
નવી દિલ્હી : અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. જે વિમાન ક્રેશનું મોટું કારણ બની હોવાની શક્યતા છે.
એએઆઇબી એ વિમાનના એન્જિનને મળતો ઇંધણનો પુરવઠો બંધ થવા જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો તરફ ધ્યાન દોર્યું છે. જોકે, તપાસ બ્યુરોએ કહ્યું છે કે આ રિપોર્ટ પ્રારંભિક છે. હાલમાં, અકસ્માતની વિગતવાર તપાસ ચાલી રહી છે.
એન્જિનમાં ઇંધણ આવવાનું બંધ થઈ ગયું
એએઆઇબીના રિપોર્ટ મુજબ, એર ઇન્ડિયાના વિમાને ટેસ્ટીંગ દરમિયાન સવારે લગભગ 8:08 વાગ્યે 180 નોટની મહત્તમ એરસ્પીડ પ્રાપ્ત કરી હતી. તેની બાદ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વીચો જે એન્જિનમાં ઇંધણ મોકલે છે, ‘રન’ થી કટઓફ પોઝિશન પર ગયા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના ફક્ત 1 સેકન્ડના અંતરે બની હતી. આ સમય દરમિયાન એન્જિનમાં ઇંધણ આવવાનું બંધ થઈ ગયું. જો કે અંતિમ નિષ્કર્ષ હજુ આવવાનો બાકી છે.
પાઇલટ્સ વચ્ચેની વાતચીત બાબત સ્પષ્ટ થઈ
એએઆઇબીના તપાસ રિપોર્ટમાં કોકપીટમાં પાઇલટ્સ વચ્ચે થયેલી વાતચીતની માહિતી પણ પ્રકાશમાં આવી છે. કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR)મુજબ, એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તમે એન્જિન કેમ બંધ કર્યું? આ પ્રશ્નના જવાબમાં, બીજા પાઇલટે કહ્યું કે મેં કંઈ કર્યું નથી. બંને પાઇલટ્સ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે એન્જિનમાં ઇંધણ
આવતું બંધ થયું હતું.
રેમ એર ટર્બાઇન સક્રિય
ઉલ્લેખનીય છે કે, કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિમાનની ઓટોમેટિક સિસ્ટમે પોતાને મદદ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, રેમ એર ટર્બાઇન (RAT)એટલે કે ઇમરજન્સી ફેન અને APU જેવી સિસ્ટમો એક્ટીવ કર્યા પછી પણ, વિમાનને ક્રેશ થવાથી બચાવી શકાયું નહીં. માહિતી અનુસાર RAT ત્યારે જ બહાર આવે છે જ્યારે વિમાનમાં પાવર સપ્લાયમાં સમસ્યા હોય છે. આનો અર્થ એ છે કે એન્જિન બંધ થવાને કારણે વિમાનનો મુખ્ય પાવર સપ્લાય પણ પ્રભાવિત થયો હતો.
આ પણ વાંચો…એર ઇન્ડિયાની B787-8 વિમાન દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા, વાંચો અહેવાલ